પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ નેતાઓએ ગુરુવારે ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાર્ટી છોડવાની જાહેરાત કરી હતી. આ સાથે, 9 મેના રમખાણોને ઇમરાનની પાર્ટી છોડનારા નેતાઓની સંખ્યા વધીને 30થી વધુ થઈ છે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે આર્મી અને સરકારને દબાણને કારણે નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે.
બીજી તરફ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દેશ છોડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. પાકિસ્તાન મીડિયાએ ગુરુવારે જારી કરેલા અહેવાલો મુજબ તહેરિક-એ-ઇન્સાફ પાર્ટીના ૬૦૦થી વધુ નેતાઓ અને એસેમ્બલીના ભૂતપૂર્વ સભ્યોનો પણ ‘નો ફ્લાય’ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. જોકે, ઇમરાનના પક્ષે આ બાબતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
‘નો ફ્લાય’ લિસ્ટમાં મુરાદ સઇદ, મલીકા બોખારી, ફવાદ ચૌધરી, હમ્માદ અઝહર, કાસિમ સુરી, અસર કૈસર, યાસ્મિન રશિદ અને મિયાં અસલમ ઇકબાલનો સમાવેશ થાય છે. ફવાદ ચૌધરીએ પક્ષ છોડી દીધો છે, પણ તેનું નામ પ્રતિબંધિત નેતાઓની યાદીમાં સામેલ કરાયું છે.