પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટ ગુરુવારે (7 એપ્રિલ)એ ફટકો માર્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતે ઇમરાન સરકાર સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ કરવાના તથા સંસદનું વિસર્જન કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે. ગુરુવારે પાંચ જજોની લાર્જર બેંચે સર્વસંમતીથી નેશનલ એસેમ્બલીને પણ પુનઃસ્થાપિત કરી દીધી છે. ઈમરાન ખાનને આખરે નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ દરખાસ્તનો સામનો કરવો જ પડશે. સુપ્રીમ કોર્ટે 9 એપ્રિલના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ આરિફ અલ્વીનો નેશનલ એસેમ્બલી ભંગ કરવાનો આદેશ ગેરબંધારણીય હતો. કોર્ટે વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે તેમના પ્રધાનમંડળને પુનઃસ્થાપિત કર્યું છે. આ પહેલાં પ્રેસિડન્ટે ઈમરાન ખાનને કાર્યવાહક વડાપ્રધાન નિયુક્ત કર્યા હતા. ઈમરાન ખાને પોતાની લીગલ ટીમ સાથે બેઠક કર્યા પછી કહ્યું હતું કે, તેમને સુપ્રીમ કોર્ટનો દરેક નિર્ણય મંજૂર છે. સુપ્રીમ કોર્ટની બહાર મોટી સંખ્યામાં એન્ટિ રાઈટ ફોર્સીસ તૈનાત કરવામાં આવ્યા હતા. કોર્ટે પાકિસ્તાનના ચૂંટણી પંચના સચિવને પણ સમન્સ પાઠવ્યું હતું. પીએમએલ-એન શહબાઝ શરીફ અને પીપીપીના બિલાવલ ભૂટ્ટો જરદારી સહિત મોટી સંખ્યામાં વિપક્ષી નેતા પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. ચીફ જસ્ટીસે કહ્યું-ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ખોટો હતો.
સુનાવણી દરમિયાન પાકિસ્તાનના ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે, નેશનલ એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસીમ ખાન સૂરીનો 3 એપ્રિલના રોજ લેવાયેલો નિર્ણય ખોટો હતો. પાકિસ્તાનના નેશનલ એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસીમ સૂરીએ રવિવારે સરકાર તોડી પાડવા માટે વિદેશી કાવતરાનો ઉલ્લેખ કરીને અવિશ્વાસ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. જેની થોડી જ મિનિટો પછી પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ વડાપ્રધાન ઈમરાન ખાનની સલાહ પર નેશનલ એસેમ્બ્લી ભંગ કરી હતી.
પાકિસ્તાનના ચીફ જસ્ટીસે કહ્યું કે, નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસીમ સૂરીનો નિર્ણય પહેલી નજરે આર્ટિકલ 95નું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાંથી અધિકારીઓના નામ ગાયબ થવા પર નારાજગી વ્યક્ત કરી હતી. નેશનલ એસેમ્બ્લીના અધ્યક્ષ અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકર કાસીમ સૂરની તરફથી દલીલ કરી રહેલા વકીલ નઈમ બોખારીએ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકની તમામ માહિતી રજૂ કરી હતી.