પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે સરખામણી કરીને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતા. ઈમરાને જણાવ્યું હતું કે કે નરેન્દ્ર મોદીની દેશની બહાર કોઈ સંપત્તિ નથી, પરંતુ અમારા નેતાઓની અન્ય દેશોમાં કરોડોની સંપત્તિ છે. ઈમરાન ખાનના આ ભાષણનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થયો હતો.
ઇમરાને વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે કટાક્ષ કરતા જણાવ્યું હતું અમારા અહીંના વડાપ્રધાનની વિદેશમાં અબજો રૂપિયાની પ્રોપર્ટી અને કરોડોનો બિઝનેસ છે. ઇમરાન ખાને જનતાને સવાલ પૂછતા કહ્યું કે,” આપણા પાડોશી દેશમાં પણ પીએમ મોદીની ભારતની બહાર કેટલી પ્રોપર્ટી છે”?
આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન ઈમરાન ખાને ભારત અથવા મોદીની પ્રશંસા કરી હોય. આ પહેલા પણ તેઓ ભારતની વિદેશ નીતિ અને અમેરિકા અને રશિયા સાથેના સંબંધો માટે મોદીના વખાણ કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે ક્વાડનો ભાગ હોવા છતાં, ભારતે યુએસ પર દબાણ જાળવી રાખ્યું હતું અને જનતાને રાહત આપવા માટે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું હતું. તેમની સરકાર પણ દેશની સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી સમાન પ્રયાસો કરી રહી છે. પીટીઆઈના વડાએ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની નીચી કિંમતો અંગેના અહેવાલને રીટ્વીટ કરતા આ વાત કહી હતી.
તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાને દેશની બહાર અબજો રૂપિયાની પ્રોપર્ટી અને બિઝનેસ બનાવ્યા હોવાની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેમનાં બાળકો પાસે UKનો પાસપોર્ટ છે. તેનો તેઓ કંઈપણ જવાબ આપી શકતા નથી. આ ત્યારે બને છે જ્યારે શક્તિશાળી લોકો માટે અલગ કાયદો અને ગરીબ લોકો માટે અલગ કાયદો હોય છે.
અગાઉ પણ ઈમરાન ખાને ભારતનાં વખાણ કરતા કહ્યું હતું કે ભારતને ચલાવવા માટે કોઈ મહાસત્તાની જરૂર નથી. કોઈ દેશ તેમની સામે આંખ કાઢી શકતું નથી. તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી રહ્યા છે. ઈમરાન ખાને સ્લોવાકિયામાં એક રેલીમાં ભારતની વિદેશનીતિની ભારે પ્રશંસા કરી હતી. અહીં તેમણે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરનો એક વીડિયો બતાવ્યો હતો, જેમાં જયશંકર રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાના સવાલનો જવાબ આપી રહ્યા છે.