પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદ હાઇકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે શુક્રવારે અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં બે સપ્તાહ સુધીના જામીન આપ્યાં હતા અને દેશભરમાં દાખલ થયેલા કોઇ પણ કેસમાં સોમવાર સુધી ધરપકડમાંથી રાહત આપી હતી. કોર્ટે ઇમરાનને ફૂલપ્રૂફ સુરક્ષા આપવાનો આદેશ પણ આપ્યો હતો.
આનો અર્થ એવો થાય છે કે પાકિસ્તાન સરકાર સોમવાર સુધી ઇમરાનની કોઇપણ કેસમાં ધરપકડ કરી શકશે નહીં. ઇમરાન ખાનને રાહત આપતા ચુકાદા માટે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સુપ્રીમ કોર્ટની આકરી ટીકા કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટ તેના ‘લાડલા’ની સતત તરફેણ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટના “બેવડા ધોરણો”ને કારણે પાકિસ્તાનમાં ન્યાયતંત્રની હત્યા થઈ છે. જો તમે આ લાડલાની તરફેણ ચાલુ રાખવા માગતા હોવ તો તમારે જેલના સળિયા પાછળના તમામ ડાકુઓને પણ મુક્ત કરવા જોઈએ. આ તમામને મુક્ત થવા દો.
ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)ની ત્રણ અલગ-અલગ બેન્ચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડાને રાહત આપી હતી. અગાઉ કડક સુરક્ષા વચ્ચે તેમને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ઇમરાનની ધરપકડને ગેરકાયદે ગણાવીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. બીજી અરજીની સુનાવણી કરતાં, IHCએ ઇમરાન ખાનને 9 મે પછીથી દાખલ કરાયેલા તમામ કેસોમાં જામીન આપ્યા હતાં. ખાને જામીનની વિનંતી સાથે તેમની સામે દાખલ તમામ કેસોની વિગતો માંગતી અરજી દાખલ કરી હતી. ઇમરાન ખાને તેમની અરજીમાં કોર્ટમાં જણાવ્યું હતું કે તે હિંસાથી વાકેફ નથી, પરંતુ કેસ નોંધવામાં આવ્યા છે. જામીન આપતી વખતે ન્યાયાધીશે ટિપ્પણી કરી હતી ઇમરાને હિંસાની તમામ ઘટનાઓની નિંદા કરવી જોઈએ.
કોર્ટના ચુકાદા પછી ગૃહપ્રધાન રાણા સનાઉલ્લાએ કહ્યું હતું કે સરકાર કોર્ટના આદેશોનું સન્માન કરશે અને ખાનને કોર્ટમાંથી જામીન મેળવ્યા હોય તેવા કેસોમાં ધરપકડ નહીં કરે. શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે તે ખાનની મુક્તિના વિરોધમાં પાકિસ્તાનના મોટા શહેરોમાં દેશવ્યાપી રેલીઓ યોજશે.