તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઇસ્લામાબાદની એક કોર્ટે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને બુધવારે 14 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આના એક દિવસ પહેલા સરકારની ગુપ્ત માહિતી લીક કરવાના કેસમાં પણ કોર્ટે ઇમરાનને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી.
પાકિસ્તાનમાં આઠમી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીના આઠ દિવસ પહેલા એકાઉન્ટેબિલિટી કોર્ટના ચુકાદાથી ઇમરાનની કાનૂની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. ગયા વર્ષે 5 ઓગસ્ટે તોશાખાના કેસમાં દોષિત ઠર્યા બાદ ઇમરાન ખાન હાલમાં ત્રણ વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે.
ચૂંટણી પહેલા ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અગાઉ પાર્ટીના બેટના ચૂંટણી પ્રતિકને છીનવી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભૂતપૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને અન્ય ઘણા લોકોના ઉમેદવારીપત્રો રદ કરાયા હતાં.
એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મોહમ્મદ બશીરે રાવલપિંડીની અદિયાલા જેલમાં સુનાવણી હાથ ધરી હતી. ઇમરાન ખાન હાલમાં આ જેલમાં કેદ છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 2018-2022 દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મળેલી મોંઘી ભેટો જાળવી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઇમરાન ખાન અને તેમની પત્નીને 10 વર્ષ સુધી કોઈપણ જાહેર હોદ્દો રાખવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પ્રત્યેકને 78.7 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બુશરા બીબી (49) બુધવારે કોર્ટમાં હાજર રહી ન હતી. ચુકાદા બાદ બુશરા બીબી અદિયાલા જેલમાં પહોંચી હતી અને અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.