પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાન સરકારને દૂર કરવા માટે સોમવારે વિરોધ પક્ષોએ સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. હવે 31મી માર્ચે સરકાર સામેની આ દરખાસ્ત પર ચર્ચા થવાની શક્યતા છે. વિપક્ષના નેતા શાહબાજ શરીફે સોમવારે નેશનલ અસેમ્બલીમાં વડાપ્રધાન ઈમરાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. સંસદમાં ઉપસ્થિત 161 સાંસદોએ ઈમરાન સરકાર સામેની આ દરખાસ્તને સમર્થન કર્યું હતું. સ્પીકરે દરખાસ્ત સ્વીકારી હતી અને નેશનલ એસેમ્બલીની કાર્યવાહીને 31 માર્ચ સુધી સ્થગિત કરી હતી. આમ સરકારે વધુ બે દિવસનું જીવતદાન મળ્યું છે.
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનું બે દિવસની રજા પછી સોમવારે ફરીથી મહત્વનું સત્ર શરૂ થયું હતું. દેશમાં અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે વિપક્ષે વડાપ્રધાન ઈમરાન ખાન સામે વિધિવત રીતે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી છે. હવે સંસદમાં 7 દિવસની અંતર વોટિંગ કરાવવાનું રહેશે, જેમાં ઈમરાન ખાને બહુમતી સાબિત કરવી પડશે.
આ પહેલા ઈમરાન ખાને રવિવારે ઈસ્લામાબાદમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, વિદેશી રૂપિયાથી પાકિસ્તાનમાં સરકાર બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમની પાસે પુરાવા છે. ઈમરાન કહ્યું હતું કે, ‘મારી પાસે જે પત્ર છે, તે પુરાવો છે અને હું આ પત્ર પર શંકા કરનારી કોઈપણ વ્યક્તિને પકડાર આપવા ઈચ્છું છું. હું તેમને રેકોર્ડથી બહાર આમંત્રિત કરીશ. આપણે નક્કી કરવું પડશે કે આપણે કેટલા સમય સુધી આ રીતે જ રહેવું પડશે. અમને ધમકીઓ મળી રહી છે. વિદેશી ષડયંત્ર વિશે ઘણી વાતો છે, જે જલદી જ જણાવીશ.’
પાકિસ્તાનની 342 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના 155 સભ્ય છે અને સત્તા ટકાવી રાખવા માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂર છે. પાકિસ્તાનમાં સત્તાની નંબર ગેમ જોઈએ તો ઈમરાનને પહેલા 176 સાંસદોનું સમર્થન મળેલું હતું. પરંતુ 24 સાંસદો બાગી થયા પછી હવે ઈમરાન સરકારની સાથે 152 સાંસદો જ રહ્યા છે. એટલે કે 342 સભ્યોવાળી નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન બહુમતીના 172ના આંકડાથી ઘણા પાછળ છે.