ભારત સરકારે સોનાની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી છે. સોનાની વધતી આયાત પર અંકુશ માટે અને ચાલુ ખાતાની ખાધ (CAD) બેકાબુ ન થાય તે માટે આ પગલું લેવાયું છે. આયાત ડ્યૂટીમાં વધારો 30 જૂનથી અમલી ગણાશે. અગાઉ ગોલ્ડ પરની બેઝીક કસ્ટમ્સ ડ્યૂટી 7.5 ટકા હતી, જે હવે વધીને 12.5 ટકા થશે. 2.5 ટકા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) સાથે ગોલ્ડ પરની કુલ કસ્ટમ્સ ડ્યૂટી 15 ટકા થઈ જશે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે ભારતમાં સોનાનું ખાસ ઉત્પાદન થતું નથી. આથી સોનાની આયાતથી દેશના ફોરેક્સ રિઝર્વ પર પડે છે. સોનાની માંગને ભાવ કે આવક સાથે લેવા-દેવા નથી. આથી તેની આયાત બને તેટલી ઓછી થાય તેવા પ્રયાસ જરૂરી છે. હા, તમારે જરૂર જ હોય અને આયાત કરવી જ પડે તો એટલા નાણાં ચૂકવવા તૈયાર રહો જેથી દેશને થોડી આવક થાય.
તાજેતરના સમયમાં સોનાની આયાત વધી ગઈ છે. મે મહિનામાં 107 ટન સોનાની આયાત થઈ હતી. જૂનમાં પણ આયાત ખાસ્સી વધી છે. સોનાની આયાત વધવાથી કરંટ એકાઉન્ટ ડેફિસિટ (કેડ) વધે છે જે અર્થતંત્ર પર દબાણ વધારે છે. તાજેતરના સમયમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ) પણ ઘટ્યું છે અને આયાત મોંઘી બની છે ત્યારે ફોરેક્સ રિઝર્વ પણ ઘટ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી કરન્સી પર પણ ભારે દબાણ વધ્યું છે જેને કારણે રૂપિયાનું ધોવાણ અટકાવવા રિઝર્વ બેન્ક ફોરેક્સ રિઝર્વ ખર્ચ કરી રહી છે. જોકે તેમ છતાં રૂપિયામાં ધોવાણ તો ચાલુ જ છે. 25 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ફોરેક્સ રિઝર્વ (વિદેશી હુંડિયામણ)માં 40.94 અબજ ડોલરનો ઘટાડો થઈ ગયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં કરંટ એકાઉન્ડ ડેફિસિટ (કેડ) વધીને 3 ટકા થવાનો અંદાજ છે, જે ગત વર્ષે 1.2 ટકા હતી.