ખાલિસ્તાન આતંકવાદી જી એસ પન્નુને મંગળવારે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને પોલીસ વડા ગૌરવ યાદવને ગર્ભિત ધમકી આપી હતી. તેને રાજ્યના ગેંગસ્ટરોને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસમાં જોડાવા અને ટોચના રાજકીય નેતાઓને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેતા અટકાવવાની સૂચના આપી હતી. એક કથિત વીડિયોમાં પન્નુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં સુરક્ષા વગર હાજર રહેવાનો પડકાર ફેંક્યો હતો.
કેટલાક પત્રકારોને મોકલવામાં આવેલ ઈ-મેલ અને બે વીડીયોમાં પન્નુને માનની સરખામણી પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહ સાથે કરી હતી. બિઅંત સિંહની 31 ઓગસ્ટ, 1995માં બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરાઈ હતી. આ વિસ્ફોટમાં બીજા 17 લોકોના મોત થયા હતાં. પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલે આ વિસ્ફોટ કર્યો હતો. પન્નુને 1990માં બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા પોલીસ અધિકારી ગોવિંદ રામ સાથે પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવની સમાનતા કરી હતી.
પંજાબ પોલીસના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પન્નુન અને તેના સંગઠને ભૂતકાળમાં પણ ધમકીઓ આપી હતી અને રાજ્યમાં તમામ VIPs માટે ચુસ્ત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે.
વીડિયામાં તેને જણાવ્યું હતું કે હું પડકાર ફેંકુ છું કે મોદી, તમે તમારી સુરક્ષા વિના દિલ્હી આવો. જો તમે લોકપ્રિય નેતા છો, તો સુરક્ષા વિના આર-ડે પર દિલ્હી આવો અને SFJ ખાલિસ્તાનનો ઝંડો ઉઠાવીને નિજ્જરની હત્યાનો બદલો લેશે. ઉલ્લેખનીય છે કે કેનેડાના સરેના ગુરુદ્વારામાં અજાણ્યા હુમલાખોરોએ નિજ્જરની હત્યા કરી હતી.