ગુજરાતમાં જંત્રીદરોમાં વધારો શનિવાર, 15 એપ્રિલથી અમલી બન્યો હતો. રાજ્ય સરકાર ગુરુવારે નવા દરો જાહેર કર્યા હતા, જે મુજબ વિવિધ પ્રકારના બાંધકામ પર લાગુ પડતી જંત્રી 1.5 ગણી થઇ છે. સરકારે અગાઉ ફેબ્રુઆરીમાં જંત્રીના દરોમાં બે ગણા કરવાની જાહેરાત કરી હતી.
જાહેર કરાયેલા નવા દરો અનુસાર વિવિધ પ્રકારના બાંધકામોને લાગુ પડતી જંત્રી 1.5 ગણી હશે, જે અગાઉની જાહેરાત કરતાં 25 ટકા ઓછા છે. જો કે, અગાઉની જાહેરાત મુજબ કૃષિ અને બિનખેતી બંને જમીનના જંત્રી દરો બમણા કરવામાં આવશે. તેવી જ રીતે જમીન અને બાંધકામ માટે સંયુક્ત રીતે લાગુ પડતા કમ્પોઝિટ રેટ દુકાનો માટે સમાન રહ્યા છે, પરંતુ રાજ્યમાં રહેણાંક મિલકતો માટે જંત્રીદરમાં 1.5 ગણો (75 ટકા) અને ઓફિસની જગ્યાઓ માટે જંત્રી દરમાં 1.8 ગણો (80 ટકા)નો વધારો જોવા મળશે. અગાઉ બે ગણો વધારો જાહેર કરાયો હતો.
નવા દરોથી તમામ પ્રકારની રિયલ એસ્ટેટ પ્રોપર્ટીના ખર્ચમાં 15થી 20 ટકાનો તાકીદની અસરથી વધારો થયો હતો. શુક્રવારે, રિયલ એસ્ટેટ ક્ષેત્રના દબાણ સામે ઝૂકીને ગુજરાત સરકારે છૂટછાટો આપી હતી અને જંત્રીના દરમાં 25 ટકા જેટલો ઘટાડો કર્યો હતો.
બે મહિના પહેલા સરકારે જંગીના દરો બમણા કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વગદાર ડેવલપર્સના દબાણને પગલે તેના અમલને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. જંત્રીનો દર, સામાન્ય રીતે કોઈપણ મિલકતના પ્રવર્તમાન બજાર દર કરતાં ઓછો હોય છે. આ જંત્રી દરોને આધારે મિલકત ખરીદવામાં આવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી નક્કી થાય છે.
રાજ્યમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI-ગુજરાતના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે બિલ્ટ-અપ પ્રોપર્ટી માટે જંત્રીના દરોમાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે (અગાઉના દરોની તુલનામાં) હોવાથી રહેણાંક હોય કે કોમર્શિયલ તમામ મિલકતોની વેચાણ કિંમતોમાં તાત્કાલિક અસરથી 15-20 ટકાનો વધારો થશે.
ફેબ્રુઆરીમાં ગુજરાત સરકારે 11 વર્ષના પછી જંત્રીના દરમાં વધારો કર્યો હતો અને બેઝ રેટને હાલના બજાર દરોની સમકક્ષ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે રિયલ-એસ્ટેટ ડેવલપર્સનો વિરોધ થતાં, સરકારે એપ્રિલ 15 સુધી નવા જંત્રી દરોના અમલીકરણને મુલતવી રાખ્યું હતું.