MPs demand to allow immigrants to stay in US even after retrenchment

અમેરિકામાં ટેકનોલોજિકલ કંપનીઓમાં કર્મચારીઓની મોટાપાયે હકાલપટ્ટી ચિંતા વ્યક્ત કરીને સિલિકોન વેલીના સાંસદોના એક જૂથે માગણી કરી છે કે નોકરી ગુમાવ્યા પછી પણ હાઇ સ્કીલ્ડ ઇમિગ્રન્ટ દેશમાં રહી શકે તે સુનિશ્ચિત કરવા માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ પગલાં લેવા જોઇએ.
USCISના ડાયરેક્ટર ઉર જદ્દૂને એક પત્રમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે, આવા ઇમિગ્રન્ટ્સ આજના જ્ઞાન આધારિત અર્થતંત્રમાં અત્યંત કિંમતી કૌશલ્યો ધરાવે છે અને તેમને દેશ છોડવાની ફરજ પાડવી તે આપણા રાષ્ટ્રની લાંબાગાળાની આર્થિક સ્પર્ધાત્મકતા માટે નુકસાનકારક છે.

આ પત્રમાં ઝો લોફગ્રેન, રો ખન્ના, જીમી પેનેટા અને કેવિન મુલિને પોતાનો અભિપ્રાય આપ્યો છે. લોફગ્રેન ઇમિગ્રેશન અને સિટિઝનશિપ અંગેની ગૃહની પેટાસમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

પત્રમાં જણાવાયું છે કે તાજેતરના મહિનાઓમાં ટેકનોલોજિકલ કંપનીઓ છટણીને વેગ મળ્યા હોવાથી આ મુદ્દો અમારા મત વિસ્તારો માટે ખૂબ મહત્ત્વનો છે. 2022ના આખા વર્ષમાં જેટલી હકાલપટ્ટી થઈ હતી તેના કરતાં 2023માં અત્યાર સુધીમાં વધુ સંખ્યામાં કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. USCISએ અસરગ્રસ્ત ઇમિગ્રન્ટ પર છટણીની અસરો અંગે વિગતવાર ડેટા જારી કરવા જોઇએ અને 60 દિવસના ગ્રેસ પીરિયડમાં વધારો કરવો જોઇએ. USCISએ એવી વિગતો પણ જાહેર કરવી જોઇએ કે નોકરી ગુમાવ્યા પછી કેટલાં H-1B વિઝા હોલ્ડર તેમના કાયદાકીય નિવાસીના દરજ્જાને જાળવી શક્યતા છે અને અન્ય કેટલાંક લોકોનો દેશનિકાલ કરાયો છે.

સાંસદોએ જણાવ્યું છે કે આ સંદર્ભના ડેટા જાહેર કરવા જોઇએ તેથી છટણીની અસરને અમે વધુ સારી રીતે સમજી શકીએ. બેરોજગાર બનેલા H-1B વિઝા હોલ્ડરે દાખલ કરેલી અરજીઓને પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગે છે તેની પણ માહિતી જાહેર કરવી જોઇએ. વિઝા અરજી પેન્ડિંગ હોય તો અરજદાર અમેરિકામાં રહે છે, પરંતુ અમને 60 દિવસના ગ્રેસ પીરિયડ કરતાં પણ વધુ લાંબા પ્રોસેસિંગ પીરિયડ અંગેની ચિંતા છે.

LEAVE A REPLY