આર્થિક સંકટ સામે ઝઝુમી રહેલા પાકિસ્તાનમાં અમીરો પર મોટો ટેક્સ લાદવાની ભલામણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા કરવામાં આવી છે. ફંડના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ દેશમાં ગરીબોને રાહત આપવા માટે અમીરોનો ટેક્સ વધારવા સૂચન કર્યું હતું.
ક્રિસ્ટેલિના જ્યોર્જિવાએ ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રમાં પાકિસ્તાનના વચગાળાના વડાપ્રધાન અનવારુલ હક કાકડ સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે, પાકિસ્તાનના લોકોના હિતમાં દેશ પોતાના અર્થતંત્રને ફરીથી જીવિત કરી અને આર્થિક ખામીઓને દૂર કરે. ફંડનાં વડાંએ જણાવ્યું હતું કે, અમે રાહત પેકેજમાં જે મુદ્દા ઉઠાવીએ છીએ તે એ છે કે, પાકિસ્તાનમાં અમીરો પાસેથી વધુ ટેક્સ વસુલવામાં આવે અને દેશના ગરીબોની સુરક્ષા કરવામાં આવે. પાકિસ્તાનના લોકો પણ પોતાના દેશ પાસેથી આવી જ ઇચ્છા રાખતા હશે.
પાકિસ્તાનમાં લાગુ થનારા સુધારાઓનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, અગાઉની ખામીઓને દૂર કરવી જોઇએ. IMF દ્વારા પાકિસ્તાનના અર્થતંત્રને ઉગારવા માટે ત્રણ બિલિયન ડોલરના રાહત પેકેજ અંતર્ગત જુલાઇમાં 1.2 બિલિયન ડોલરની સહાય કરી હતી. જોકે, તે આપ્યા પછી મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ હતી. ઓગસ્ટ સુધી પાકિસ્તાનમાં મોંઘવારીનો દર વધીને 27.4 ટકા પર પહોંચી હતી.