ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે બુધવારે જણાવ્યું હતું કે તેને બાંગ્લાદેશને ઉર્જા અને ખાદ્યપદાર્થોની વધતી કિંમતોનો સામનો કરવા માટે $4.5 બિલિયનનું સપોર્ટ પેકેજ આપવા માટેની પ્રાથમિક સમજૂતી કરી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને પગલે ભાવમાં થયેલા તીવ્ર વધારાથી એશિયનના બીજા અર્થતંત્રો સાથે બાંગ્લાદેશને ભારે ફટકો પડ્યો છે, જેના કારણે ગુસ્સે થયેલા લોકો શેરીઓ વિરોધ પ્રદર્શનો કરવા લાગ્યા છે.
આશરે 170 મિલિયન લોકોના આ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રે આ વર્ષની શરૂઆતમાં સહાય માટે IMFનો સંપર્ક કર્યો હતો.
IMF પ્રતિનિધિમંડળ અને ઢાકાના પ્રતિનિધિઓ “બાંગ્લાદેશની આર્થિક નીતિઓને સમર્થન આપવા માટે સ્ટાફ-સ્તરના કરાર પર પહોંચ્યા છે. જે મુજબ વિવિધ સુવિધાઓ હેઠળ કુલ $4.5 બિલિયનની સહાય મળશે. આ સોદો IMF મેનેજમેન્ટની મંજૂરીને આધીન છે.
બાંગ્લાદેશ IMF લોનનો ઉપયોગ તેના વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો માટે કરવા માગે છે. તેની ફોરેક્સ રિઝર્વ $46 બિલિયનથી ઘટીને $34 બિલિયન થઈ ગઈ છે.તાજેતરના મહિનાઓમાં અમેરિકાના ડોલર સામે બાંગ્લાદેશી ટાકામાં લગભગ 25 ટકાનો ઘટાડો થયો છે. સત્તાવાર આંકડા મુજબ ફુગાવો 10 ટકાની નજીક પહોંચ્યો છે. જોકે સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓ કહે છે કે ફુગાવાનો સાચો આંકડો 20 ટકાની નજીક છે.
ઘરેલુ બજેટને ભારે ફટકો પડ્યો છે અને સરકારે જાહેર અસંતોષને કાબૂમાં લેવા માટે ચોખા સહિત અનેક મુખ્ય ખાદ્યપદાર્થોની કિંમતો મર્યાદિત કરવાનું વચન આપ્યું છે.IMF ટીમના વડા રાહુલ આનંદે જણાવ્યું હતું કે, “યુક્રેનમાં રશિયાના યુદ્ધને કારણે બાંગ્લાદેશની આર્થિક રિકવરીમાં અવરોધ આવ્યો છે. ચાલુ ખાતાની ખાધમાં તીવ્ર વધારો થયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપી ઘટાડો થયો છે, ફુગાવો વધી રહ્યો છે અને વૃદ્ધિ ધીમી થઈ છે.”
ઘટતા જતા ચલણ અને ઘટતા વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે બાંગ્લાદેશ ઇંધણની આયાત કરવામાં અસમર્થ છે. વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ડીઝલ પ્લાન્ટ બંધ કરવા, ગેસથી ચાલતા કેટલાક પાવર સ્ટેશનોને નિષ્ક્રિય રાખવા અને વર્તમાન સ્ટોકને બચાવવા માટે દિવસમાં 13 કલાક સુધીનો લાંબો પાવર કાપ લાદવાની ફરજ પડી છે. ગયા મહિને ઓછામાં ઓછા 130 મિલિયન લોકો ગ્રીડની નિષ્ફળતાને કારણે વ્યાપક અંધારપટનો સામનો કરવો પડ્યો હતો. ઓગસ્ટમાં સરકારે પેટ્રોલિયમ અને ડીઝલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો કર્યો હતો.
બાંગ્લાદેશની અનિશ્ચિત નાણાકીય સ્થિતિ આ વર્ષે ઉત્તરપૂર્વમાં આવેલા અભૂતપૂર્વ પૂરને કારણે વધુ તીવ્ર બની હતી, જેના કારણે 70 લાખથી વધુ લોકોના ઘરો ડૂબી ગયા હતા અને સરકારી અંદાજો અનુસાર લગભગ $10 બિલિયનનું નુકસાન થયું હતું. શ્રીલંકાએ પણ તાજેતરમાં IMF પાસેથી બેલઆઉટની માંગણી કરી છે.