ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમફએ)એ મંગળવારે ભારતીય અર્થતંત્ર માટે નાણાકીય વર્ષ 2021 માટેનો વૃદ્ધિનો અંદાજ સુધારીને 11.5 ટકા કર્યો છે. આ સાથે જ કોરોના વાયરસ મહામારી વચ્ચે પણ સૌથી ઝડપી રિકવર થઈને બે આંકડામાં વિકાસ નોંધાવનાર દેશ તરીકે ભારત ઊભરશે તેવો આશાવાદ આઈએમએફે વ્યક્ત કર્યો હતો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે મંગળવાતે વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અપડેટ જાહેર કર્યું હતું જેમાં ભારતીય અર્થતંત્રનો બે આંકડામાં વિકાસ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. કોરોના મહામારીને પગલે ભારતનું અર્થતંત્ર 2020માં માઈનસ આઠ ટકા સંકોચાયું હોવાનો અંદાજ રજૂ કરાયો છે.
આઈએમએફના અંદાજ મુજબ 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 11.5 ટકા રહેશે. આમ આઉટલુક મુજબ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી રિકવર થઈને 2021માં દ્વી-અંકીય વૃદ્ધિ નોંધાવનાર સૌપ્રથમ દેશ બનશે. ત્યારબાદ ચીનનો જીડીપી 2021માં 8.1 ટકા નોંધાવાનું અનુમાન આઈએમએફએ વ્યક્ત કર્યું છે. સ્પેનમાં 5.9 ટકા જ્યારે ફ્રાન્સનો જીડીપી ગ્રોથ 5.5 ટકા રહેવાની અપેક્ષા છે.
2020માં ભારતનો જીડીપી માઈનસ 8 ટકા સંકાચાયો હોવાનો અંદાજ છે. ગયા વર્ષે ફક્ત ચીને 2.3 ટકાનો પોઝિટિવ ગ્રોથ રેટ હાંસલ કર્યો હોવાનું આઈએમએફ આઉટલુકમાં જણાવાયું હતું. આઈએમએફના મતે 2022માં ભારતનો ગ્રોથ રેટ 6.8 ટકાના દરે નોંધાશે જ્યારે ચીનનો 5.6 ટકા રહેવાની આશા છે.
ચાલુ મહિને આઈએમએફના ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ જણાવ્યું હતું કે, ભારતે નિર્ણાયક પગલાં લીધા હતા, કોરોના મહામારી સામેની લડાઈમાં લીધેલા યોગ્ય પગલાં અને તેને સંલગ્ન આર્થિક પ્રતિકૂળતા સામે કેન્દ્રના નિર્ણયો મહત્વના હતા. ભારતે વસતીના પ્રમાણે આકરા લોકડાઉન લાગુ કર્યા હતા અને બાદમાં તબક્કાવાર નિયત્રંણો લેવાની રણનીતિ અપનાવી હતી.