ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ ચાલુ વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિના અંદાજને 7.4 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દીધો છે. આ વૈશ્વિક નાણા સંસ્થાએ જુલાઈમાં 7.4 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો અને ગયા જાન્યુઆરીમાં 8.2 ટકા અંદાજ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર વૈશ્વિક અર્થતંત્ર સામે પડકારો ચાલુ જ છે. રશિયાના યુક્રેન પર આક્રમણ, ફુગાવામાં વધારો, અને ચીનના અર્થતંત્રમાં નરમાઈ જેવા કારણોથી વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ બગડી છે. રિપોર્ટ મુજબ 2023માં ત્રીજા ભાગના વિશ્વમાં જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે. અમેરિકા, યુરોપીયન યુનિયન અને ચીન એ ત્રણ સૌથી મોટા અર્થતંત્રની ગતિ ધીમી પડશે.
આની સાથે આઈએમએફએ વર્ષ 2023 માટે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ 6.1 ટકા કર્યો છે. ભારતનો ગયા વર્ષે 2021-22માં વાસ્તવિક ગ્રોથ 8.7 ટકા રહ્યો હતો. આઈએમએફે આ સાથે જ વૈશ્વિક જીડીપી ગ્રોથનો અંદાજ 6 ટકાથી ઘટાડીને 3.2 ટકા કરી દીધો છે. 2023 માટે 2.7 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો છે. 2008ની વૈશ્વિક કટોકટીને બાદ કરતા 2001 પછીથી આ સૌથી નીચો ગ્રોથનો અંદાજ છે.
આઈએમએફ અને વર્લ્ડ બેન્કની વાર્ષિક મીટિંગ અગાઉ જ આ રિપોર્ટ જાહેર થયો હતો. આઈએમએફે મંગળવારે તેનો વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે ભારતનો જીડીપી ગ્રોથ તેના અગાઉના અંદાજ કરતાં 0.6 ટકા નીચો રહેવાની સંભાવના છે. બીજા છ માસિક ગાળામાં અપેક્ષા કરતાં ઓછો ગ્રોથ જોવા મળશે અને ખાસ કરીને નિકાસ મોરચે માંગ ઘટવાને કારણે અસર થશે.
આઈએમએફે કહ્યું છે કે વૈશ્વિક ગ્રોથના અંદાજ પરથી જણાય છે કે વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકામાં જીડીપી ગ્રોથ નોંધપાત્ર ઘટશે અને યુરો ઝોનમાં બીજા છ માસિક ગાળામાં નેગેટિવ ગ્રોથ જોવા મળી શકે છે. ચીનમાં પણ કોરોનાને કારણે અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ક્રાઈસીસને કારણે વૈશ્વિક ગ્રોથ પર અસર થશે. ટૂંકમાં હજી ખરાબમાં ખરાબ સ્થિતિ આવશે અને ઘણાં લોકોને 2023માં મંદીનો અનુભવ થશે.