ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મત અનુસાર કોરોના વાઇરસની સ્થિતિને કારણે વિશ્વભરના અર્થતંત્રને એટલું વ્યાપક નુકસાન થઇ રહ્યું છે કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાશે.IMFએ અત્યારની આર્થિક સ્થિતિને 1930ની મહામંદી પછીના દસકાઓની સૌથી ખરાબ નુકસાનજનક ગણાવીને કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારીએ વિશ્વને ઐતિહાસિક સંકટમાં મુકી દીધું છે. ફંડ માને છે કે, આ રોગચાળો લાંબો સમય ચાલશે તો આ સમસ્યાનો ઉકેલ લાવવો એ વિવિધ સરકારો અને સેન્ટ્રલ બેન્કોની કામગીરીની આકરી પરીક્ષા બની રહેશે.
ફંડના મુખ્ય કાઉન્સેલર ટોબિઆસ એડરીઆને જણાવ્યું છે કે, કોરોનાની સમસ્યાને કારણે આગામી બે વર્ષમાં વિશ્વની જીડીપીને નવ ટ્રિલિયન ડોલરનું નુકસાન થશે. જોકે, ફંડે વિશ્વના અર્થતંત્ર પર જાહેર કરેલા છેલ્લા ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક’માં બ્રિટન, જર્મની, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં લેવાયેલા તાત્કાલિક અને મજબૂત ઉપાયોની પ્રશંસા કરી છે. આમ છતા, ‘વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક’માં એમપણ જણાવાયું છે કે, કોઇપણ દેશ આ નુકસાનથી બચી નહીં શકે. 2020ના બીજા છ મહિનામાં આ મહામારી પર નિયંત્રણ મેળવી શકાશે તો આવતા વર્ષે વૈશ્વિક વિકાસનો દર 5.8 ટકા જળવાઇ શકે છે.
ફંડના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, કોરોનાની સમસ્યાને કારણે ગંભીર અનિશ્ચિતતાનો સામનો કરી રહેલી વિવિધ દેશોની સરકાર સામે ઐતિહાસિક લોકડાઉને એક નિરાશાજનક હકીકત લાવી દીધી છે. આવતા વર્ષે આ નુકસાનના આંશિક ભરપાઇની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ જીડીપીનો દર કોરોના પહેલાની સ્થિતિ કરતા ઓછો જ રહેશે અને સ્થિતિ કેટલી સુધરશે તે અંગે પણ અનિશ્ચિતતા યથાવત રહેશે. આ ઉપરાંત વિકાસના માપદંડ મુજબ ખૂબજ ખરાબ પરિણામ આવે તેવી આશંકા છે.
ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, 1930ની આર્થિક મહામંદી પછી એવું પ્રથમવાર બની શકે છે કે, વિકસિત અને વિકાસશીલ દેશ બંને મહામંદીના ચક્રવ્યૂહમાં ફસાઇ જાય. વિકસિત દેશો માટે ફંડે ચેતવણી આપી છે કે, આ દેશોનું અર્થતંત્ર કોરોના અગાઉની પરિસ્થિતિના ઉચ્ચ સ્તરે 2022 પહેલા પાછું ફરી નહીં શકે. અમેરિકન અર્થતંત્રને આ વર્ષે 5.9 ટકા નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ છે. 1946 પછી તેના માટે આ સૌથી મોટું નુકસાન હશે. અમેરિકામાં આ વર્ષે બેરોજગારીનો દર 10.4 ટકા રહેવાની સંભાવના છે.
2021 સુધીમાં અમેરિકામાં 4.7 ટકાના વિકાસ દરની સાથે થોડો સુધારો થવાની આશા છે. ચીન અંગે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું કહેવું છે કે, આ વર્ષે તેમનું અર્થતંત્ર 1.2 ટકાના દરે વધી શકે છે. 1976 પછી ચીન માટે આ સૌથી ધીમો વિકાસ દર હશે. 1991 પછી ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર મંદીનો અનુભવ થઇ શકે છે.ફંડે એવી પણ ચેતવણી આપી છે કે, આ મહામારી પર નિયંત્રણ મેળવવામાં લાંબો સમય થશે, 2021માં કોરોના ફરી ત્રાટકે તો સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે અને વૈશ્વિક જીડીપીને વધુ આઠ ટકાનું નુકસાન વેઠવું પડે તેવી આશંકા છે.
જે દેશો પર વધારે દેવું છે તેમની સ્થિતિ બગડી શકે છે. આ દેશોને કોઇપણ આર્થિક મદદ નહીં કરે અને તેનાથી તેમનો લોન લેવાનો ખર્ચ વધી જશે. મહામારીની ખરાબ આર્થિક અસરથી બચવા ફંડ દ્વારા ચાર પ્રાથમિકતા જણાવવામાં આવી છે. એક તો, આરોગ્ય વ્યવસ્થામાં વધુ રોકાણ કરવામાં આવે. કર્મચારીઓ-વેપારીઓને નાણાકીય મદદ કરવી અને કેન્દ્રીય બેન્ક પોતાની મદદ યથાવત રાખે અને ખરાબ સમયમાં ટકી રહેવા મજબૂત યોજનાઓ હોવી જોઇએ. વેક્સિન અને સારવારની શોધ માટે સાથે મળીને કામ કરવાની અપીલ પણ ફંડ દ્વારા કરવામાં આવી છે. ઘણા વિકાસશિલ દેશોને આવનારા વર્ષોમાં દેવામાંથી રાહતની જરૂર પડશે.