બ્રિટનના અગ્રણી ઇમામોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડી “હમાસ દ્વારા કરાયેલી નિર્દોષ લોકોની હત્યા અને અપહરણ તથા ઇઝરાયેલ દ્વારા વાપરવામાં આવેલા “અતિશય બળ”ની નિંદા કરી છે.
આર્કબિશપ ઓફ કેન્ટરબરી અને વરિષ્ઠ રબ્બાઇ જોનાથન વિટનબર્ગની સાથે લેમ્બેથ પેલેસ ખાતે યહૂદીઓને ધ્યાનમાં રાખીને આચરવામાં આવેલા “દુઃખદાયક અને ખોટા” નફરતના અપરાધોની નિંદા કરવામાં લેસ્ટરના મુસ્લિમ વિદ્વાન શેખ ઇબ્રાહિમ મોગરા પણ જોડાયા હતા.
લેસ્ટરના મુસ્લિમ વિદ્વાન શેખ ઇબ્રાહિમ મોગરા, લંડન સેન્ટ્રલ મસ્જિદના મુખ્ય ઈમામ શેખ ડૉ. ખલીફા એઝ્ઝત તથા લીડ્ઝની મક્કા મસ્જિદના વરિષ્ઠ ઇમામ, ઇમામ કારી આસીમ તથા 14 અન્ય વિદ્વાનો, ઇમામો અને મૌલવીઓએ નિવેદન પર સહીઓ કરી હતી.
આ નિવેદનમાં કહેવાયું હતું કે તેઓ “ઇઝરાયેલ અને ગાઝામાં નાગરિકોની હત્યાની સ્પષ્ટ નિંદા કરે છે. નિર્દોષ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની હત્યાઓ અને વિનાશ ખેદજનક છે અને તે ન્યાય અને માનવતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે જે અમારી ધર્મમાં પ્રિય છે. અમે 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા નિર્દોષ લોકોની હત્યા અને અપહરણ તેમજ ઇઝરાયેલી સૈન્ય દ્વારા વધુ પડતા બળના ઉપયોગની નિંદા કરીએ છીએ. અમે ઇઝરાયેલની સરકારને સંયમ સાથે અને આંતરરાષ્ટ્રીય કાયદાની સીમામાં કામ કરવા વિનંતી કરીએ છીએ.”
તેમણે ઉમેર્યું હતું કે ‘’અમે અહીં બ્રિટનમાં આપણી શેરીઓમાં થયેલા તમામ સેમિટિઝમ અથવા ઇસ્લામોફોબિયાના કૃત્યોની સંપૂર્ણ નિંદા કરીએ છીએ. કોઈએ પણ તેમના પોતાના પડોશમાં અને આ દેશમાં અસુરક્ષિત અનુભવવું જોઈએ નહીં.”
બર્કશાયરના મેઇડનહેડના સિનાગોગના રબ્બાઇ જોનાથન રોમેન અને સ્થાનિક મસ્જિદનું નેતૃત્વ કરનાર ઇમામ આબિદ હાશ્મી સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો.
મુસ્લિમ ઇક્વાલીટી કેમ્પેઇનર જુલી સિદ્દીકી શનિવારે લીડ્સમાં સિનાઈ સિનાગોગમાં યહૂદીઓને સંબોધન કરતા કહ્યું હતું કે “યુકેના મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને તમામ ધર્મોના લોકોમાં તમારા મિત્રો અને સમર્થકો છે.”