ઈશનિંદાનો આરોપ ધરાવતી ફિલ્મ ‘ધ લેડી ઓફ હેવન’ ફિલ્મના વિરોધને વેગ આપવાનો આરોપ લગાવી યુકે સરકારે લીડ્સના ઇમામ અને વકીલ કારી આસિમને તેમની સત્તાવાર સલાહકાર તરીકેની ભૂમિકામાંથી બરતરફ કર્યા છે.
લીડ્સના ઇમામ અને વકીલ કારી આસિમે સોમવારે તા. 6ના રોજ ફેસબુક પર પોસ્ટ મૂકતા જણાવ્યું હતું કે આ ફિલ્મે “મુસ્લિમોને ઘણું દુઃખ અને હાની પહોંચાડ્યાં છે”.
અસીમને લખેલા પત્રમાં, સરકારે શનિવારે તા. 11ના રોજ જણાવ્યું હતું કે ‘’ફેસબુક પોસ્ટ એન્ટી મુસ્લિમ હેટ્રેડના સત્તાવાર વર્કીંગ ગૃપના ઉપાધ્યક્ષ તરીકેના તેમના હોદ્દા સાથે અસંગત છે. જેથી તેમની નિમણૂકને “તાત્કાલિક અસરથી” સમાપ્ત કરવામાં આવે છે. ફિલ્મ સામેની ઝુંબેશને કારણે થયેલા વિરોધે ધાર્મિક નફરતને વેગ આપ્યો છે.’’ આ અભિયાને સુન્નીઓ દ્વારા શિયા વિરોધી દ્વેષને ઉશ્કેરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થાય છે.
ઇમામ કારીએ આ અંગે લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝના સેક્રેટરી માઈકલ ગોવને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ‘’મને DLUHC નો વ્યક્તિગત રૂપે પત્ર મળ્યો નથી. હું સરકારના એન્ટી મુસ્લિમ હેટ્રેડ વર્કિંગ ગૃપમાં 10 વર્ષથી સ્વૈચ્છિક ક્ષમતામાં યોગદાન આપું છું અને આપણા દેશમાં મુસ્લિમ વિરોધી નફરતને ઘટાડવા માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યો છું. 2019 માં, ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા સ્થાપિત કરવા માટેની પ્રક્રિયાનું નેતૃત્વ કરવા માટે સ્વતંત્ર સલાહકાર તરીકે મારી નિયુક્ત કરાઇ હતી. વર્તમાન સરકારે ઇસ્લામોફોબિયાની વ્યાખ્યા પર મારી સાથે બિલકુલ જોડાણ કર્યું નથી. છેલ્લા 3 વર્ષોમાં ન તો બીજા સલાહકારની નિમણૂક કરવામાં આવી છે કે ન તો મુસ્લીમ વિરોધી પૂર્વગ્રહની વ્યાખ્યા સ્થાપિત કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા માટે કોઇ પ્રયાસો કરાયા છે. સરકારના ઉચ્ચ સ્તરે રાજકીય ઇચ્છાશક્તિના આ દેખીતા અભાવને લીધે એવી ધારણાઓને વેગ મળ્યો છે કે વર્તમાન સરકાર મુસ્લિમ વિરોધી પૂર્વગ્રહનો સામનો કરવામાં ગંભીર નથી.’’
‘’મેં “લેડી ઓફ હેવન” ફિલ્મને લઈને કોઈ પણ સિનેમાઘરની બહાર કોઈ વિરોધ પ્રદર્શનમાં વ્યક્તિગત રીતે હાજરી આપી નથી કે તેનું આયોજન કર્યું નથી. જો કે, મેં વાણી સ્વાતંત્રની ભાવનામાં રહીને વિરોધ કરવાના લોકોના લોકતાંત્રિક અધિકારને સમર્થન આપ્યું હતું. પરંતુ જ્યાં સમુદાયોમાં ઉગ્રવાદ અને તણાવને વેગ આપવાનું જોખમ હોય ત્યાં જાહેર હિતમાં વાણીની સ્વતંત્રતાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. હું મક્કમ અભિપ્રાય ધરાવુ છું કે “લેડી ઓફ હેવન” ફિલ્મને પડકાર અને ટીકા એ મુક્ત વાણીનો ભાગ છે. મારી ચિંતા હંમેશા એ રહી છે કે આ ફિલ્મ જે રીતે બનાવવામાં આવી છે તેના કારણે તે સમુદાયોમાં ઉગ્રવાદ અને તણાવને વેગ આપવાનું જોખમ ધરાવે છે જે બ્રિટિશ સમાજમાં એકતાને નબળી પાડશે.’’
‘’ફિલ્મમાં પ્રદર્શિત વિભાજનકારી અને અત્યંત સાંપ્રદાયિક સામગ્રીનો હેતુ મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટને ઉત્તેજન આપવાનો હોવાનું જણાય છે. લીડ્ઝના વિરોધ દરમિયાન શિયા વિરોધી સૂત્રોચ્ચાર અને શિયા વિરોધી તિરસ્કારની સ્પષ્ટપણે નિંદા કરી છે. મેં લીડ્ઝમાં અમારી મક્કા મસ્જિદમાં તેની જાહેરમાં નિંદા કરી શિયા સમુદાય સાથે એકતા દર્શાવવા હું લીડ્ઝની શિયા મસ્જિદમાં પણ પહોંચ્યો હતો. મેં આજીવન ઇન્ટરફેઇથ સમાવિષ્ટતા, શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું છે. આમ શિયા વિરોધી નિવેદનોને સમર્થન આપનાર વ્યક્તિ તરીકે સરકારના પત્રમાં મારા નામના ઉલ્લેખ સાથે હું ભારપૂર્વક અસંમત છું. કમનસીબે, સરકારે મને ઇસ્લામોફોબિયા સલાહકાર તરીકે એકપક્ષીય રીતે દૂર કરીને એવી ધારણાઓને વધુ મજબૂત કરી છે કે તે આ દેશમાં વધી રહેલી મુસ્લિમ વિરોધી નફરતને સંબોધવા માટે ગંભીર નથી. બ્રિટનમાં આપણા વિવિધ સમુદાયોની એકતા સુનિશ્ચિત કરવા માંગતા તમામ લોકો માટે આ નિરાશાજનક પરિણામ છે.’’