યુકેનાં નવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ભારતમાં ગોવામાં આવેલા પૂર્વજોની મિલકત પર કોઇએ ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. હોમ સેક્રેટરીના પિતા ક્રિસ્ટી સેન્ટાનોએ આ અંગે ગોવામાં સત્તાધિશો સમક્ષ ફરિયાદ નોંધાવતા ખાસ ટીમ (એસઆઇટી) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
સુએલા બ્રેવરમેનના પિતા ક્રિસ્ટી સેન્ટાનોએ આ અંગે ઇમેઇલ દ્વારા ગોવાના મુખ્ય પ્રધાન, પોલીસ વડા તથા એનઆરઆઇ કમિશ્નર સમક્ષ ફરિયાદ કરી હતી. તેના આધારે ટીમે એફઆઇઆર નોંધીને તપાસ હાથ ધરી છે. ક્રિસ્ટીની ફરિયાદ મુજબ તેમના પૂર્વજોની જમીન નોર્થ ગોવાના અસાગાંવમાં છે, પરંતુ અજાણ્યા શખ્સોએ ખોટો પાવર ઓફ એટર્ની બનાવી તે જમીનનો ગેરકાયદે કબજો લઇ લીધો છે. આરોપીને પકડવા માટે એસઆઇટીએ જમીન સંબંધિત ડોક્યુમેન્ટ્સની તપાસ હાથ ધરી હતી.
ગોવા સરકાર આ વર્ષની શરૂઆતમાં પોલીસ, મહેસૂલ અને આર્કાઇવ્ઝ તથા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને જમીન હડપવાના વિવિધ કેસમાં તપાસ કરી રહી છે. આ ટીમ રાજ્યમાં આવા 100થી વધુ કેસમાં તપાસ કરી રહી છે અને 15થી વધુ લોકોની ધરપકડ કરી છે, તેમાં આર્કાઇવ્ઝ અને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓનો સમાવેશ થાય છે.