વડા પ્રધાન સુનકે આપેલા પાંચ મુખ્ય વચનોમાંના એક “ગેરકાયદેસર રીતે દેશમાં ઘુસતા માઇગ્રન્ટ્સની બોટ્સને રોકવા માટેના કાયદાને કારણે વિવાદ થશે એવી દલીલો કેટલાક એમપીઓ દ્વારા કરાઇ રહી છે. તો વિપક્ષો અને ચેરીટી સંસ્થાઓ આ બિલ નિરર્થક બની રહેશે એમ જણાવી રહ્યા છે.
એલબીસી રેડિયો પર બોલતા પબ્લિક પ્રોસ્કિયુશનના ભૂતપૂર્વ ડિરેક્ટર અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’ચેનલ ક્રોસિંગના મુદ્દાનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે ગુનાહિત ગેંગને તોડવી. નેશનલ ક્રાઈમ એજન્સીને આ મુદ્દાને ઉકેલવા માટે નિષ્ણાત એકમ સ્થાપવા માટે સંસાધનો આપવા જોઈએ અને હાલની એસાયલમ અરજીઓની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે વધુ કરવું જોઈએ. આપણે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અંગે ખૂબ કાળજી લેવી પડશે.”
લિબરલ ડેમોક્રેટ્સે જણાવ્યું હતું કે ‘’નવો કાયદો અનૈતિક, બિનઅસરકારક અને કરદાતાઓ માટે અવિશ્વસનીય રીતે ખર્ચાળ છે. સરકારે નાની બોટોમાં થતા ક્રોસિંગને રોકવા માટે કંઈ કર્યું નથી”.
રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એનવર સોલોમને જણાવ્યું હતું કે તે “યુએન કન્વેન્શન હેઠળ લોકોને ન્યાયી સુનાવણી આપવાની યુકેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને આ કાયદો તોડી પાડશે.”
ફ્રીડમ ફ્રોમ ટોર્ચર સંસ્થાએ આ કાયદાને “બીનઉપયોગી અને નિષ્ક્રિય” તરીકે વર્ણવ્યો હતો.