આ વર્ષની ટોચની પ્રાથમિકતા તરીકે વડા પ્રધાન ઋષિ સુનક અને હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પડોશી દેશ ફ્રાન્સ સાથેની યુકેની દરિયાઈ સરહદ વચ્ચેની ઇંગ્લિશ ચેનલ દ્વારા નાની બોટોમાં ગેરકાયદેસર અને જોખમી રીતે યુકેમાં પ્રવેશીને એસાયલમનો દાવો કરનારા ઇલીગલ માઇગ્રન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા આજે મંગળવાર તા. 7ના રોજ સંસદમાં નવો કાયદો રજૂ કરનાર છે. આ નવુ બિલ કાયદો બને ત્યાં સુધી તમામ ચેનલ ક્રોસિંગ માટે ‘પૂર્વવર્તી રીતે લાગુ’ કરવામાં આવશે. એટલે કે મંગળવાર તા. 7થી ગેરકાયદેસર રીતે યુકેમાં આવનાર કોઈપણને આ કાયદા હેઠળ દેશનિકાલ કરી શકાશે. સુનકે શરણાર્થીઓની સંખ્યા પર વાર્ષિક મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરી છે.
ભારતીય મૂળના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન સાથે, સુનકની આગેવાની હેઠળની સરકાર દ્વારા આકરો અભિગમ અપનાવાઇ રહ્યો છે. નવી યોજનાઓ હેઠળ હોમ સેક્રેટરી 18 વર્ષથી ઓછી વયના અને ગંભીર તબીબી પરિસ્થિતિઓ ધરાવતા લોકો સિવાય કોઈ પણ વ્યક્તિના એસાયલમનો દાવો કરવાના અધિકાર પર અગ્રતા ધરાવશે. આ કાયદો ગેરકાયદેસર રીતે આવતા લોકોને એસાયલમનો દાવો કરતા, ભવિષ્યમાં યુકે પરત ફરતા અટકાવશે અને ભવિષ્યમાં બ્રિટિશ નાગરિકતા મેળવવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
નવા કડક ‘ઇલીગલ માઇગ્રેશન બિલ’ હેઠળ હોમ સેક્રેટરીને યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશનાર કોઈપણને અટકાયતમાં લેવાની અને તેમને દેશનિકાલ કરવાની ફરજ સોંપવામાં આવશે. સરકાર ગેરકાયદેસર રીતે યુકે આવતા લોકોને રવાન્ડા અથવા “સુરક્ષિત” ત્રીજા દેશમાં “વાજબી રીતે વ્યવહારુ હોય તેટલી વહેલી તકે” મોકલી શકશે. પછી ભલે તેઓ ક્યાંથી પણ આવ્યા હોય. કેટલાક એસાયલમ સીકર્સને રવાન્ડામાં દેશનિકાલ કરવાના હેતુસર સરકાર પાસે પહેલેથી જ એક નીતિ છે. પરંતુ હજી સુધી ત્યાં કોઈને મોકલવામાં આવ્યા નથી અને આમ કરવાની કોઈપણ યોજના પર હાલમાં કાનૂની પડકારો તોળાઇ રહ્યાં છે.
આ નવો કાયદો હાલમાં યુકેમાં આવતા એસાયલમ સિકર્સને અધિકારો આપતા યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સ અને યુએનના રેફ્યુજી કન્વેન્શન માટે યુકેની પ્રતિબદ્ધતા પર દબાણ લાવે તેવી અપેક્ષા છે. બીજી તરફ કેટલાક મિનિસ્ટર્સ કહે છે કે વડા પ્રધાન દ્વારા લાવવામાં આવનાર નવો કાયદો ‘સીમાઓ’ પર દબાણ લાવશે અને તે કાયદો કોર્ટના ચક્કરોમાં ફસાઈ જશે. તો લેબર નેતા સર કેર સ્ટાર્મરે આ યોજનાઓને “કામ નહિં કરી શકે તેવી” ગણાવી છે. લેબર પક્ષે કહ્યું હતું કે ‘’નવો કાયદો અગાઉની યોજનાઓને ફરીથી રજૂ કરે છે જેણે અગાઉ કામ કર્યું ન હતું.
તત્કાલિન હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા ગેરકાયદેસર રીતે યુકેમાં આવતા લોકોને રોકવાનો નેશનાલીટી એન્ડ બોર્ડર્સ એક્ટ 2022 નામનો નવો કાયદો દાખલ કર્યો હતો, પરંતુ તેનો ભાગ્યે જ ઉપયોગ થયો હતો.
સરકારની દલીલ છે કે શરણાર્થી એટલે કે એવી વ્યક્તિ કે જેને યુદ્ધ, સતામણી અથવા કુદરતી આફતથી બચવા માટે તેમનો દેશ છોડવાની ફરજ પડે છે. જ્યારે માઇગ્રન્ટ્સ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી કોઈપણ વ્યક્તિ. સરકાર આવા માઇગ્રન્ટ્સ પર કાબુ મેળવવા માંગે છે જેઓ આ દેશની બેનીફીટ સીસ્ટમ અને કાયદાનો દુરૂપયોગ કરવા માંગે છે.
શ્રી સુનકે મંગળવારની જાહેરાત પહેલા રવાન્ડાના પ્રમુખ પોલ કાગામે સાથે વાત કરી નવી દરખાસ્તો આગળ વધે તેની ખાતરી કરવા માટે કામ કરવાનું ચાલુ રાખશે તેવી ધરપત આપી હતી. તો ફ્રાન્સના કેલેથી ઈંગ્લેન્ડના ડોવર સુધી નાની બોટમાં પ્રવાસ કરવા સામે સમજૂતીની શોધમાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે બોટ ક્રોસિંગ ઘટાડવા માટે સુનક અને બ્રેવરમેન શુક્રવારે વધુ સહકારની ચર્ચા કરનાર છે.
આ કાયદા દ્વારા સરકારને છેલ્લા ચાર વર્ષથી પજવતી સમસ્યાનો જવાબ મળી ગયો છે અને સરકારે માનવ અધિકાર કાયદાના કોઈપણ દુરુપયોગ પર આક્રમણ કરવા નવો કાયદો બનાવ્યો છે. આશા છે કે નવો કાયદો એક્ટિવિસ્ટ વકીલોને કૌટુંબિક જીવનના અધિકારનો ઉપયોગ કરતા અટકાવશે અને આધુનિક ગુલામી સામે લડવા માટે બનાવવામાં આવેલ કાયદા થકી લોકોને દેશનિકાલ થતા રોકવામાં મદદ કરશે.