છેલ્લા 15 વર્ષથી ઇમીગ્રેશન સમસ્યાનું પ્રમાણ નક્કી કર્યું ન હોવાથી હોમ ઑફિસ એવો દાવો કરી શકતી નથી કે તેણે ગેરકાયદેસર ઇમિગ્રેશનને સફળતાપૂર્વક રોક્યુ છે.
નેશનલ ઓડિટ ઑફિસે (NAO) જણાવ્યું છે કે 2005માં કરવામાં આવેલા અંદાજ મુજબ દેશમાં લગભગ 430,000 લોકો પાસે રહેવાનો અધિકાર નહતો. પરંતુ ત્યાર બાદ થયેલા સ્વતંત્ર સંશોધનોમાં આ આંકડો 1 મિલિયનથી વધુ થઈ હોવાનું મનાય છે.
હોમ ઓફિસના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે વિભાગની ઇમીગ્રેશન એન્ફોર્સમેન્ટ એક્ટીવીટી માટેની માંગનો અંદાજ દર વર્ષે 240,000થી 320,000 કેસનો છે. તેમ છતાં, ત્યાં કોઈ બેઝલાઇન નહોતી કે જેની સામે પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે અથવા તે બતાવી શકાય કે એન્ફોર્સમેન્ટ એક્ટીવીટીની માંગ વધી રહી છે કે ઘટી રહી છે.
રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ કાયદાકીય પડકારોનો સામનો કરવો પડ્યો હોવાથી ગત વર્ષે ગેરકાયદેસર રીતે યુકેમાં સ્થળાંતર કરનારા અડધાથી ઓછા લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. સંસદીય ખર્ચના નિરીક્ષક એનએઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રેશનને રોકવા અને યુકેમાં ગેરકાયદેસર રીતે રહેલા લોકોને શોધી કાઢવાના પ્રયાસો હોમ ઑફિસ દ્વારા તેની ટેકનીકલ અને કાર્યપ્રણાલીમાં સુધારો લાવવાના પ્રયત્નો છતાં નિષ્ફળ રહ્યા છે.
યુકે બોર્ડર ફોર્સના ભૂતપૂર્વ વડા ટોની સ્મિથે ચેતવણી આપી હતી કે ચેનલને પાર કરનારાઓએ “મોટો ખતરો” ઉભો કર્યો છે અને આ વર્ષે ડીંગીઝમાં બેસીને 1,400થી વધુ લોકો યુકે પહોંચ્યા છે. NAOએ જણાવ્યું હતું કે હોમ ઑફિસે લગભગ 13,100 ઇમીગ્રન્ટને નવેમ્બર 2019 સુધીના 12 મહિનામાં પરત મોકલ્યા હતા. તેમાંથી, હોમ ઑફિસે 7,400 ને દૂર કર્યી હતી જેમાંથી લગભગ 5000 અપરાધીઓ હતા અને લગભગ 5,600 ગેરકાયદેસર ઇમીગ્રન્ટ સ્વૈચ્છિક રીતે પરત ફર્યા હતા. સ્વૈચ્છિક રીતે પરત ફરતા લોકો 2015માં મહિને સરેરાશ 1,200 હતા તે ઘટીને ગયા વર્ષે લગભગ 460 થઈ ગયા હતો.
NAOનાં વડા, ગેરેથ ડેવિસે કહ્યું હતું કે “ઇમિગ્રેશન અમલીકરણનું કાર્ય જટિલ અને પડકારજનક છે. જ્યારે હોમ ઑફિસે તેની એન્ફોર્સમેન્ટ એક્ટીવીટીમાં નોંધપાત્ર ફેરફારો રજૂ કર્યા છે પણ તે બતાવતું નથી કે એકંદરે કામગીરીમાં સુધારો થઈ રહ્યો છે.”
હોમ ઑફિસના પ્રવક્તાએ કહ્યું: “અમે અમારી ઇમિગ્રેશન સિસ્ટમનો પાછો કંટ્રોલ મેળવ્યો છે અને આખી પેઢીમાં પહેલીવાર, અહીં કોણ આવશે અને રહેશે તેના ઉપર અમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. અમે ગેરકાયદેસર ઇમીગ્રેશનને કાબૂમાં લેવા, માનવ તસ્કરી માટેના માર્ગો બંધ કરવા અને જ્યાં શક્ય હોય ત્યાં યુકેમાં રહેવાનો અધિકાર ન હોય તેવા લોકોને પરત કરવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને એજન્સીઓ સાથે મળીને અથાક મહેનત કરીએ છીએ. 2010 થી અમે કુલ 53,000થી વધુ વિદેશી ગુનેગારોને દૂર કર્યા છે.