મહિલાઓ ‘વિધવા’ નથી અને તેમના પર તે લેબલ કદી ન લગાવવું જોઈએ. હકીકતમાં વિધવાઓને ઘણીવાર અવગણવામાં આવે છે અને ભૂલી જવામાં આવે છે, તેમની સાથે ભેદભાવ ન કરવો જોઈએ એમ ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વીમેન – IIW દ્વારા યોજવામાં આવેલા ‘’ધ પાવર ઓફ બીઇંગ ઓ વિડો” વેબિનારમાં જણાવવામાં આવ્યું હતું.
IIW યુકે ચેપ્ટર દ્વારા આયોજીત શક્તિશાળી વેબિનારમાં 80થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કાઉન્સિલર પુષ્પા મકવાણા સંચાલિત આ વેબિનારને સુશ્રી રશ્મિ મિશ્રા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. અભનાશ બેઇન્સ, દમયંતી પટેલ, જયંતી ચતુર્વેદી, લક્ષ્મી સતીશ રાવ અને સરોજ શાહે પેનલિસ્ટ તરીકે સેવા આપી હતી. વૈધવ્ય અથવા છૂટાછેડાનો અનુભવ કરનાર વિવિધ ક્ષેત્રની 35 મહિલાઓએ પોતાના આઘાતજનક વ્યક્તિગત અનુભવો વર્ણવ્યા હતા અને તેનો કઇ રીતે સામનો કરવો તેનું માર્ગદર્શન મેળવ્યું હતું.
આ વેબિનારમાં વિધવા બનેલી મહિલાઓના સંઘર્ષ, એકલતા, સાંસ્કૃતિક અવરોધો, વિખેરાયેલા જીવન પર નિયંત્રણ પાછું મેળવવા માટેના પ્રયત્નો, સામાજિક અને આર્થિક ભૂમિકા, પરિવાર, બાળકોની શારીરિક સલામતી, જમીન અને મિલકત ધરાવવાનો અધિકાર, ઓળખ, શિક્ષણ વગેરે બાબતો પર ચર્ચા કરાઇ હતી. લક્ષ્મીબેન રાવ, જયતી ચતુર્વેદી, અભનાશ બેઇન્સ, દમયંતીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.