ઇન્સ્પાયરીંગ ઇન્ડિયન વિમેન (IIW) દ્વારા તેના ડેપ્યુટી ડિરેક્ટર સંગીતા ચતલાનીની આગેવાની હેઠળની ખૂબ જ સમર્પિત અને પ્રખર ટીમ IIW યુકેની સહાયથી કોવિડ રોગચાળાની કટોકટીમાં ભારતને ટેકો આપવા માટે ભંડોળ એકત્રિત કરવામાં સફળ રહી છે. અન્ય પહેલ પૈકી મુંબઈમાં હાલમાં દરરોજ 100થી 150 મજૂરો અને બેઘર લોકો માટે ફૂડ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
IIWએ કાંદિવલીની યુનાઇટેડ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલને રૂ. 25,000ની કિંમતના નેબ્યુલાઇઝર્સ, બ્લડ પ્રેશર મશીનો અને ડાયાબિટીસ મશીન, નવી મુંબઇની ‘આરંભ’ એનજીઓ અને યંગ એન્વાયરમેન્ટલિસ્ટ ટ્રસ્ટને શેરીઓમાં રખડતા બાળકો અને કચરો વીણતા લોકોને સહાય કરવા રૂ. 25,000, એકમાત્ર બ્રેડવિનર ગુમાવનાર એક પરિવારને સહાય પેટે રૂ. 35,000નું દાન કર્યું છે. તો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સંઘર્ષ કરી રહેલા એક પરિવારને રૂ. 20,000ની સહાય કરી છે.
નાણાકીય યોગદાન ઉપરાંત, IIWએ દર્દીઓ, તેમના પરિવારો, હોસ્પિટલો અને અન્ય તબીબી સહાય આપતા જૂથો વચ્ચે સંકલન કરવા માટે પેન ઇન્ડિયા વૉટ્સ એપ જૂથોની સ્થાપના કરી છે. જરૂરિયાતમંદ લોકો માટે પ્લાઝ્મા દાતાઓ, ઑક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને ગેસ સિલિન્ડર વિતરકો, કેમિસ્ટ્સ અને ભારતભરની હોસ્પિટલો સાથે સંપર્ક કરવામાં આવે છે. શ્રીમતી સંગીતાની આગેવાની હેઠળની ટીમ રાત-દિવસ ભારત અને યુ.કે.ના સ્વયંસેવકોની મદદથી કેસ સંભાળે છે.
એનજીઓ IIWનો મોટ્ટો લિફ્ટ, સપોર્ટ અને રાઇઝ’નો છે અને ઘરેલું હિંસા પીડિતો અને કોવિડ ચેપગ્રસ્ત લોકોને સહાય કરવા ઉપરાંત વિમેન હાઇજીન અને સેનીટેશન, વંચિત લોકોને શિક્ષણ અને ભોજનનું વિતરણ કરાય છે. આ ઉપરાંત સામાજિક બાબતો અંગે જાગૃતિ ફેલાવવા માટે વેબિનાર્સ કરવામાં આવે છે તેમ જ શિશુઓ માટે દૂધ બેંકની રચના કરવામાં આવી છે.