ભારતના ચેન્નઈમાં શુક્રવારે આઈપીએલની ટીમ્સ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે રૂ. 16.25 કરોડ (162.25 મિલિયન) માં રાજસ્થાન રોયલ્સનો કોન્ટ્રાક્ટ મેળવી ભારતની આ ક્રિકેટ સ્પર્ધા માટેના અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી તરીકેનો રેકોર્ડ કર્યો હતો. આ અગાઉ, 2014માં ભારતના યુવરાજ સિંઘ માટે દિલ્હી કેપિટલ્સે રૂ. 16 કરોડ ખર્ચ્યા હતા.
ગયા વર્ષે પેટ કમિન્સ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો, 15.50 કરોડમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે તેનો સોદો કર્યો હતો. ક્રિસ મોરિસની બેઝ પ્રાઈઝ ફક્ત રૂ. 75 લાખ (7.5 મિલિયન) હતી.
હરાજીના પ્રારંભિક રાઉન્ડમાં સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ અને ઓસ્ટ્રેલિયનનો ગ્લેન મેક્સવેલ મિલિયોનેર તરીકે ઊભર્યા હતા. બીજી તરફ આઇપીઆઇલની ટાઇટલ સ્પોન્સર તરીકે ચીનની વિવોનું પુનરાગમન થયું હતું.
આ હરાજીમાં સાઉથ આફ્રિકાનો ક્રિસ મોરિસ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. ક્રિસ મોરિસને રાજસ્થાન રોયલ્સે રૂ.16.25 કરોડ (2.2 મિલિયન ડોલર)માં ખરીદ્યો હતો. ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડમાં ખરીદ્યો હતો. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા ભારતના ચેતેશ્વર પૂજારાને પણ ખરીદદાર મળી ગયા હતા. ચેન્નઈ સુપર કિંગ્સે પૂજારાને તેની બેઝ પ્રાઈઝ રૂ.50 લાખમાં ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલ-રાઉન્ડર ગ્લેન મેક્સવેલ તથા જ્યે રિચાર્ડસનને લોટરી લાગી હતી. મેક્સવેલ માટે ત્રણ ફ્રેન્ચાઈઝીઓ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. બાદમાં કોલકાતા રેસમાંથી હટી ગયું હતું. અંતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ.2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા મેક્સવેલને રૂ.14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રિચાર્ડસનની બેઝ પ્રાઈઝ રૂ.1.5 કરોડ હતી. રિચાર્ડસનને પંજાબ કિંગ્સે રૂ.14 કરોડમાં ખરીદ્યો હતો.
રેલિ મેરેડિથને પંજાબ કિંગ્સે રૂ.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે કાયલે જેમિસનને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રૂ.15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે ખરીદ્યો હતો. દિલ્હીએ રૂ. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા સ્મિથને રૂ.2.2 કરોડમાં ખરીદ્યો હતો.
બાંગ્લાદેશના ઓલ-રાઉન્ડર સાકિબ અલ હસનને કોલકાતા નાઈટ રાઈડર્સે રૂ. 3.2 કરોડમાં ખરીદ્યો. હતો. ચેન્નઈ સુપર કિંગ્સે રૂ. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ઈંગ્લિશ સ્પિનર મોઈન અલીને રૂ.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતના શિવમ દૂબેને રાજસ્થાન રોયલ્સે રૂ. 4.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
હરાજીમાં 292 ખેલાડીઓ હતા, જેમાંથીં 164 ભારતના હતા. ઓસ્ટ્રેલિયાના 35, ન્યૂઝીલેન્ડના 20, વેસ્ટ ઈન્ડિઝના 19, ઈંગ્લેન્ડના 17, સાઉથ આફ્રિકાના 14 અને શ્રીલંકાના 9 ખેલાડીઓ સામેલ હતો.