ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી 12-13 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુમાં યોજાશે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. હરાજી થનારા ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ મધ્ય જાન્યુઆરી સુધી નક્કી થવાની ધારણા છે.
ભારતીય ક્રિકેટ બોર્ડના ઓફિશિયલે જણાવ્યું કે જો કોરોનાના કેસો વધશે તેવા સંજોગોમાં જ આ મેગા ઓકશન મુલતવી રહેશે બાકી બેંગલોરમાં હરાજીનું આયોજન થશે. એવી પણ વાત ચાલે છે કે કોરોનાના કેસ વધે છે કે નહીં તેની અનિશ્ચિતતાને કારણે હરાજીના કાર્યક્રમ બાબત નિશ્ચિતતા નથી પ્રવર્તતી ત્યારે દુબઈમાં પણ આ મેગા ઓકશન યોજી શકાય.
૨૦૨૨ની સીઝનથી આઇપીએલમાં ૧૦ ટીમો ભાગ લેવાની છે. આઠ ટીમોએ તેમના ચાર રીટેઇન ખેલાડીઓનો સિવાયના તમામ ખેલાડીઓને હરાજીમાં મુકી દીધા છે. હવે ૧૦ ટીમ તેના ખેલાડીઓ આ પુલમાંથી હરાજી બાદ ખરીદી કરશે અને ટીમ બનવાશે તેથી આ વખતની મેગા ઓકશન ખૂબ જ અનિવાર્ય અને મહત્વનું છે.
સીવીસીને જો કે હજુ ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી સત્તાવાર માલિકનો પત્ર નથી મળ્યો તેથી તેઓ અમદાવાદની ટીમ માટે ગ્રાઉન્ડ લેવલની કોઈ તૈયારી નથી કરી શકયા. તેઓને આ પત્ર આગામી અઠવાડિયામાં મળશે તેમ લાગે છે.
અમદાવાદ અને લખનઉની ટીમને આમ તો હરાજી પહેલા તેમના ગમતા કેપ્ટન સહિત ત્રણ ખેલાડીઓ ખરીદવાની છૂટ મળશે. આ પ્રક્રિયા ૨૫ ડિસેમ્બર સુધીમાં થઇ જવાની હતી પણ સીવીસીને આખરી પત્ર નહીં મળ્યો હોઈ હવે થોડો વિલંબ થયો છે.
ફ્રેન્ચાઈઝીઓ માને છે કે દર ત્રણ વર્ષે હરાજી થતી હોઈ તેઓ તેમની એક સ્થિર ટીમ બનાવીને ધ્યેય સાથે ટીમને તૈયાર નથી કરી શકતા. વારંવાર લાઇન અપ અને ટીમ સ્પિરીટનો બેઝ બદલાતો રહે છે. આ રીતે હરાજી બંધ થાય તેવો મેસેજ ભારતીય ક્રિકેટ બોર્ડને મળી ચૂકયો છે.
દિલ્હી કેપિટલના સહમાલિક પાર્થ જિંદાલે તો એટલે સુધી કહ્યું કે નિશ્ચિત સમયગાળા બાદ હરાજી થતી હોઈ ટીમ બિલ્ટ નથી કરી શકાતી. અમારે શ્રેયસ ઐયર, ધવન, રબાડા અને અશ્વિન જેવા અમારી ટીમના અભિન્ન અંગ બની ગયેલા ખેલાડીઓને છોડી દેવા પડયા છે.