વિશ્વપ્રસિદ્ધ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદે 1960ના દાયકામાં અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કાને ડિઝઇન કરેલ 14 ડોર્મિટરીઝને તોડી પાડીને નવેસરથી નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ તેના આર્કિટેક્ચર અને ઐતિહાસિક બાંધકામ શૈલી માટે જાણીતું છે. વિશ્વવિખ્યાત અમેરિકન આર્કિટેક્ટ લુઇસ કાને ડિઝાઇન કરેલા 18 ડોર્મ (ડોર્મિટરીઝને બિલ્ડીંગ) IIMની ઓળખ સાથે જોડાયેલા છે. જો કે ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિના કારણે ડોર્મ જર્જરિત થતા અંદરની બાજુના 14 ડોર્મને જમીનદોસ્ત કરી તેનું નવેસરથી બાંધકામ થશે અને કાનની ડિઝાઈનને સુસંગત બને તેવું નવું આર્કિટેક્ચર ઊભું કરવામાં આવશે.
IIM અમદાવાદના ડિરેક્ટરે ઇ ડિસોઝાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે 2001ના ભૂકંપ અને ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યાના કારણે સંકુલમાં આવેલા ડોર્મ જર્જરિત થયા છે. આ બાંધકામમાં વપરાયેલી ઇંટો ‘એક્સપોઝ્ડ બ્રિક વોલ્સ’ પ્રકારની હોવાથી હવે દિવાલોમાં મોટી-મોટી તિરાડો પડી છે. કેમ્પસની શરૂઆતમાં આવતા અને સમગ્ર સંકુલમાં આવતા ડોર્મ નંબર 15થી 18નું સમારકામ કરવામાં આવશે અને અંદરની બાજુના ડોર્મનું નવેસરથી બાંધકામ કરવામાં આવશે.