દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના એક ગ્રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને શનિવાર, 8 જાન્યુઆરીએ જણાવ્યું છે કે તમારા મૌનથી દેશમાં દ્વેષભાવ ફેલાવતા ભાષણઓને પ્રોત્સાહન મળે છે. આ પત્રમાં વડાપ્રધાનને દેશમાં ધૃણા ફેલાવતા ભાષણો અને જ્ઞાતિ આધારિત હિંસા સામે અવાજ ઉઠાવવાની વિનંતી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના હસ્તાક્ષર સાથેના આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આવા મુદ્દે પીએમના મૌનથી ધૃણાસ્પદ ભાષણોને પ્રોત્સાહન મળે છે. પત્રમાં જણાવાયું છે કે “માનનીય વડાપ્રધાન તમારા મૌનથી વેરભાવ ફેલાવતા અવાજોને પ્રોત્સાહન મળે છે તથા આપણા દેશની એકતા અને અખંડિતા સામે જોખમ ઊભું થાય છે. માનનીય વડાપ્રધાન, અમે તમને વિનંતી કરીએ છીએ કે આપણને વિભાજિત કરતા પરિબળો સામે મક્કમ બનીને ઉભા રહો.”
હરિદ્વારમાં તાજેતરમાં યોજાયેલી ધર્મસંસદમાં કેટલાંક હિન્દુ સંતોના કથિત ઉશ્કેરણીજનક નિવેદનો બાદ આઇઆઇએમએ આ ખુલ્લો પત્ર લખ્યો છે. ધર્મસંસદમાં કેટલાંક સંતોએ મુસ્લિમો સામે શસ્ત્રો ઉઠાવવાની લોકોને હાકલ કરી હતી.
પત્રમાં જણાવાયું છે કે “હેટ સ્પીચ તથા ધર્મ, જ્ઞાતિ આધારિત સમુદાયો સામે હિંસાની હાકલ સંપર્ણપણે અસ્વીકાર્ય છે.” પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના બંધારણમાં સન્માન સાથે પોતાના ધર્મનું પાલન કરવાનો હક આપવામાં આવ્યો છે પરંતુ દેશમાં ભયનો મહોલ છે. દેશમાં હાલ ભયનો માહોલ છે. તાજેતરના દિવસોમાં ચર્ચ સહિત ધર્મસ્થળોમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને આપણા મુસ્લિમ ભાઇ અને બહેનો સામે શસ્ત્રો ઉઠાવવાની હાકલો કરવામાં આવી રહી છે. આ તમામ પ્રવૃત્તિઓ સજા કે કાયદાના ડર વગર ખુલ્લેઆમ કરવામાં આવી રહી છે.