અમેરિકામાં રાષ્ટ્રપતીની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સિૃથતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો દ્વારા વચનો આપી મતદારોને લલચાવવાના પ્રયાસો થવા લાગ્યા છે. વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા ધારકોને અમેરિકામાં નોકરીની તકો પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસો કર્યા છે. આ જે પણ પ્રતિબંધો છે તેને હટાવી લેવાનું વચન તેમના વિરોધી અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેને આપ્યું છે.
ખાસ અમેરિકન-ભારતીય નાગરિકોને ધ્યાનમાં રાખીને આ વચન આપ્યું છે. સાથે કહ્યું છે કે અમારી જીત થશે તો ભારત સાથેના સંબંધોને વધુ મજબુત બનાવવામાં આવશે. ભારત હાલ જે પણ પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં અમેરિકા દરેક પ્રકારની મદદ કરશે.
ત્રીજી નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઇ રહી છે. એવામાં વિપક્ષ ડેમોક્રેટ્સની કમાન જો બિડેન સંભાળવા લાગ્યા છે. બિડેને કહ્યંુ હતું કે 15 વર્ષ પહેલા મે ભારત સાથેની એટમી ડીલને ફાઇનલ કરાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
બિડેન અગાઉ ઓબામા સરકારમાં ઉપ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. બિડેને કહ્યું હતું કે જો હું રાષ્ટ્રપતિ બની જઇશ તો ભારત અને અમેરિકા પહેલા જેવા મિત્ર દેશ બનીને રહેશે અને વિઝા સહિતના જે પણ વિવાદો અને અડચણો છે તેને દુર કરવામાં આવશે. બિડેને કહ્યું છે કે પહેલી વખત થઇ રહ્યું છે કે ભારતીય-અમેરિકી મૂળના મહિલા કમલા હૈરિસ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિના પદના ઉમેદવાર છે.
ડેમોક્રેટિક પાર્ટીએ પ્રચાર અભિયાન શરૂ કરી દીધુ છે અને અમેરિકામાં રહેતા મુળ ભારતીયોને આકર્ષવાના પ્રયાસો થઇ રહ્યા છે. જ્યારે કમલા હૈરિસે જણાવ્યું હતું કે જે દક્ષિણ ભારતના લોકો અમેરિકામાં વસે છે તેમના અિધકારો માટે હું લડવા તૈયાર છું.
55 વર્ષીય કમલા અમેરિકાના સૌથી મોટા પક્ષ ડેમોક્રેટિકના ઉપ રાષ્ટ્રપતિ પદના પહેલા અશ્વેત ઉમેદવાર છે. તેમણે પોતાની યાદોને તાજી કરતા કહ્યું હતું કે ચેન્નાઇમાં હું મારા પરિવારજન સાથે ગઇ હતી અને મને તેમણે ભારતની આઝાદીના ઇતિહાસ વિશે વાત કરી હતી.