કર્ણાટકમાં 10મેએ યોજનારી વિધાનસભાની ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં કોંગ્રેસે પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) તથા આરએસએસ-સંલગ્ન વિશ્વ હિંદુ પરિષદની યુવા પાંખ બજરંગ દળની સરખામણી કરીને જણાવ્યું હતું કે તે લઘુમતી કે બહુમતી સમુદાયો પ્રત્યે દુશ્મનાવટ કે તિરસ્કારને પ્રોત્સાહન આપતા આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકશે.
કોંગ્રેસના આવા વચનો પર પ્રહાર કરતાં કર્ણાટકના હોસ્પેટમાં ચૂંટણીસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીને પહેલા ‘ભગવાન રામ’ સાથે સમસ્યા હતી અને હવે તેણે “જય બજરંગબલી”ના નારા લગાવનારાઓને લોક કરવાનું વચન આપ્યું છે.
પોતાના ચૂંટણીઢંઢેરામાં કોંગ્રેસે જણાવ્યું હતું કે પાર્ટી પાર્ટી જાતિ અથવા ધર્મના આધારે સમુદાયો વચ્ચે નફરત ફેલાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે સખત અને નિર્ણાયક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. અમે માનીએ છીએ કે કાયદો અને બંધારણ પવિત્ર છે અને બજરંગ દળ, પીએફઆઈ અથવા તેના જેવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા તેનું ઉલ્લંઘન થઈ શકે નહીં. જો પક્ષ રાજ્યમાં સત્તા પર આવશે તેમના પર પ્રતિબંધ મૂકશે.
રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા “તમામ અન્યાયી કાયદાઓ અને અન્ય જનવિરોધી કાયદાઓ” સત્તામાં આવ્યાના એક વર્ષની અંદર તેને રદ કરવાનું વચન પણ આપ્યું હતું. ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ તેની પાંચ ગેરંટીનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમાં ગૃહ જ્યોતિ (જે તમામને 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપે છે), ગૃહ લક્ષ્મી (દરેક મહિલા પરિવારના વડાને માસિક રૂ. 2,000), અન્ના ભાગ્ય (તેમની પસંદગીનું 10 કિલો અનાજ), યુવા નિધિ (બેરોજગાર સ્નાતકોને બે વર્ષ માટે દર મહિને રૂ.3,000, અને બેરોજગાર ડિપ્લોમા ધારકોને ભથ્થા તરીકે દર મહિને ₹ 1,500), અને શક્તિ (રાજ્યભરની તમામ મહિલાઓ માટે KSRTC/BMTC બસોમાં મફત મુસાફરી)નો સમાવેશ થાય છે.