અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં જો બિડેન વિજેતા બન્યાં છે, પરંતુ પ્રેસિડન્ટ પ્રેસિડન્ટ ટ્રમ્પ હજુ હાર સ્વીકારવા તૈયાર નથી અને કાનૂની વ્યૂહરચના બનાવવામાં વ્યસ્ત છે. જોકે ટ્રમ્પના સ્વભાવને જોતા ઘણા લોકોને આશંકા છે કે, ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડવા માટે ઈનકાર કરી દે તો શું થશે.
ચૂંટણી પહેલા જ અટકળો થઈ રહી હતી કે, જો ચૂંટણી હારી જશે તો ટ્રમ્પ આસાનીથી ખુરશી છોડવા માટે રાજી નહી થાય, કારણ કે ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે જ અગાઉ કહ્યું હતું કે જો મત ગણતરી યોગ્ય રીતે નહી થાય તો મારે વિચારવું પડશે. ચૂંટણી બાદ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે, મતગણતરીમાં ગોટાળા થયા છે અને હું ચૂંટણી જીતી ચુક્યો છું.
હકીકત એ પણ છે કે, હાલમાં તો સત્તા ટ્રમ્પના હાથમાં છે. હજી અમેરિકાના કેટલાક રાજ્યોમાં મત ગણતરી ચાલી રહી છે અને તેવામાં અંતિમ પરિણામો જાહેર થયા નથી. જોકે બિડેન 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે શપથ લેશે. અમેરિકાના બંધારણ પ્રમાણે 20 જાન્યુઆરી સુધી ટ્રમ્પની પ્રમુખપદની મુદત રહેશે અને ત્યાં સુધી ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં જ રહેશે.
અમેરિકાના ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે કોઈ પ્રેસિડન્ટે વ્હાઈટ હાઉસ છોડવા માટે ના પાડી હોય પણ જો ટ્રમ્ એવુ કરશે તો આખી દુનિયા માટે આ નવાઈની વાત હશે. 20 જાન્યુઆરી સુધી તો ટ્રમ્પ પાસે તમામ તાકાત છે. તેઓ ત્યાં સુધી અમેરિકન સેનાના પણ સુપ્રીમ કમાન્ડર છે. પણ 21 જાન્યુઆરીથી જો બિડેનના હાથમાં આ તમામ સત્તા આવી જશે. તે વખતે સેના, સુરક્ષા ગાર્ડ અને વ્હાઈટ હાઉસ પર ટ્ર્મ્પનો કોઈ અધિકાર નહી રહે. આ સંજોગોમાં નવા પ્રેસિડન્ટ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ છોડવાનો આદેશ આપી શકે છે. જોકે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ તરીકે તેમની સુરક્ષા રહેશે પણ વ્હાઈટ હાઉસનો સ્ટાફ 21 જાન્યુઆરીથી તેમના આદેશ માનવાનું રહેશે.