ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સામે ચાલતા કેસોની વચ્ચે ઇયોવા ખાતે સૌપ્રથમ વખત પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કરશે. ટ્રમ્પના સમર્થકોએ 2021માં કેપિટોલ હિલ પર ઘાતક હુમલો કર્યાને ત્રણ વર્ષ પુરા થયા છે ત્યારે તેણે ઇયોવા ખાતેથી તેમના પ્રચારનો પ્રારંભ કર્યો છે.
અમેરિકાએ છ જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ ખાતે ટ્રમ્પ સમર્થકોએ મચાવેલો હંગામો જોયો હતો. તેના કારણે ટ્રમ્પ સામે કેટલાય કેસો થયા છે, ત્યારે કેસો છતાં ટ્રમ્પે નવેસરથી ચૂંટણીમાં ઝૂકાવ્યું છે. ટ્રમ્પ સમર્થકોએ કરેલો હુમલો અમેરિકામાં સત્તાના પરિવર્તન પહેલા જે રીતે સરળતાથી થતું હતું તેવી લોકશાહીની વિભાવનાથી તદ્દન વિપરીત સ્થિતિ હતી. અમેરિકનોએ આવું પહેલી જ વખત જોયું હતું.
શનિવારે ઇયોવામાં ન્યૂટન ખાતે પોતાના સમર્થકોને કરેલા સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે કેપિટોલ હિલ દંગલના કેસોના આરોપીઓ પ્રત્યે તેને સહાનુભૂતિ છે અને પોતે ફરી પ્રેસિડેન્ટ બનશે તો આરોપીઓને માફી આપી દેશે.
ટ્રમ્પે તેમના પ્રતિસ્પર્ધી પ્રમુખ જો બાઇડેનની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે બાઇડેન દેશને આર્થિક પતન તરફ દોરી ગયા છે અને યુક્રેન પર રશિયાનું આક્રમણ રોકવામાં નિષ્ફળ રહેવાની સાથે દેશની સરહદો પર અરાજકતાને આમંત્રણ આપ્યું છે.
ટ્રમ્પે બાઇડેન ફરીથી ચૂંટાય તો ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે અમેરિકાને બચાવવાની આ અમારી છેલ્લી તક છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પોતે નવેમ્બર 2024માં ફરીથી ચૂંટાઈ આવશે.