શરાબ કૌભાંડમાં કથિત સંડોવણીમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ થયાની થોડી મિનિટોમાં આમ આદમી પાર્ટી (AAP)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે અને જેલમાંથી તેમની ફરજો નિભાવશે.
AAPના નેતા અને દિલ્હી સરકારમાં નંબર-2નો હોદ્દો ધરાવતા આતિશીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન છે અને રહેશે… તેના વિશે કોઈ બે રસ્તા નથી. અમે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું છે કે જો જરૂર પડશે તો તેઓ જેલમાંથી કામ કરશે. એવો કોઈ કાયદો નથી, જેથી તેમને આમ કરવાથી રોકે. તેમને દોષિત ઠેરવવામાં આવ્યો નથી.
ધરપકડ થઈ હોય તેવા કેજરીવાલ દેશના પ્રથમ વર્તમાન મુખ્યપ્રધાન છે. જેલમાંથી મુખ્યપ્રધાન તરીકે તેમનું કામ કરવાનું ચાલુ રાખવાથી બંધારણીય કટોકટી સર્જાવાની સંભાવના છે. બિહારના તત્કાલીન મુખ્યપ્રધાન લાલુ યાદવની ઘાસચારા કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારે લાલુ યાદવે તેમના પત્ની રાબડી દેવીને મુખ્યપ્રધાન બનાવ્યાં હતા. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હેમંત સોરેનની જાન્યુઆરીમાં કથિત જમીન કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતો. જોકે આ પહેલા તેમને રાજીનામું આપ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેજરીવાલ રાજીનામું ન આપવાથી ઊભી થનારી સ્થિતિની ચકાસણી કરી રહ્યું છે. કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેન્દ્રએ તેમને સસ્પેન્ડ અથવા પદ પરથી દૂર કરવા પડશે કારણ કે તેઓ જાહેર સેવક છે. ધરપકડ કરાયેલા સરકારી અધિકારીઓ માટે પણ આ પ્રક્રિયા અનુસરવામાં આવે છે.