બળાત્કારના આરોપને રદબાદલ કરતાં કર્ણાટક હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ અવલોકનમાં બુધવારે જણાવ્યું હતું કે પાંચ વર્ષ સુધી સંમતીથી બંધાયેલા જાતિય સંબંધો પછી જો લગ્ન ન થાય તો તેને બળાત્કાર ગણાવી શકાય નહીં. કોર્ટનું અવલોકન એક એવા વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન આવ્યું હતું કે જેની પર તેની પાંચ વર્ષ સુધી ગર્લફ્રેન્ડ રહેલી યુવતીએ બળાત્કારનો આરોપ મૂક્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આરોપી અને ફરિયાદી પ્રેમમાં હતા અને પાંચ વર્ષના ગાળામાં ઘણી વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સંબંધ સહમતિ બંધાયો હતો અને શારીરિક સંબંધો જાળવી રાખવા માટે કથિત રીતે કોઈ બળપ્રયોગ થયો ન હતો.
કોર્ટે જણાવ્યું હતું કે આ કેસમાં સંમતિ એક, બે, ત્રણ વાર નહીં, પરંતુ પરંતુ ઘણા વર્ષો સુધીની છે. આરોપીના જણાવ્યા મુજબ તે અને ફરિયાદી શરૂઆતમાં મિત્રો હતા અને તેમના સંબંધો પ્રેમમાં પરિણમ્યા હતા. તેઓ પાંચ વર્ષ સુધી પ્રેમમાં હતા અને શારીરિક સંબંધો રાખ્યા હતા, પરંતુ અલગ-અલગ જ્ઞાતિને કારણે લગ્ન કરી શક્યા ન હતા. આ પછી બંને અલગ થઈ ગયા હતા.
યુવતીની ફરિયાદને આધારે આરોપી પર બળાત્કારનો કેસ દાખલ કરાયો હતો. યુવતીએ દાવો કર્યો હતો કે લગ્નના બહાના હેઠળ શારીરિક સંબંધો માટે સંમતી લેવામાં આવી હતી અને તે બળાત્કાર સમાન છે.
યુવતીએ જણાવ્યું હતું કે આરોપીએ શરૂઆતમાં તેની સાથે બળજબરીપૂર્વક સંભોગ કર્યો હતો. જોકે આ દાવાને ફગાવી દેતા ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ જાતીય સંબંધ પાંચ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો અને તેથી તેને સહમતિ વગરના સંબંધો કહી શકાય નહીં.