રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિને અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો સામે કોઈપણ યુદ્ધ યુક્રેન સંઘર્ષથી સંપૂર્ણપણે અલગ પ્રકારનું હશે. અમેરિકાએ રશિયા અને ચીન સામે યુદ્ધ માટે તૈયારી કરવી જોઈએ તેવા અમેરિકી સંસદની એક સમિતિના સૂચનને પણ પુતિને બકવાસ ગણાવ્યું હતું.
અમેરિકાની દ્વિપક્ષીય સંસદીય સમિતિએ સૂચન કર્યું હતું કે વોશિંગ્ટનએ તેના પરંપરાગત દળોને વિસ્તૃત કરીને, જોડાણોને મજબૂત કરીને અને તેના પરમાણુ શસ્ત્રોના આધુનિકીકરણ કાર્યક્રમને વધારીને મોસ્કો અને બેઇજિંગ સાથે એકસાથે સંભવિત યુદ્ધો માટે તૈયારી કરવી જોઈએ. પુતિને આવા સૂચન અંગે આ ટીપ્પણી કરી હતી.
પુતિને કહ્યું હતું કે અમેરિકાએ “AUKUS” સુરક્ષા જોડાણ બનાવીને બેઇજિંગ સાથે તણાવ ઉભો કર્યો છે, જ્યારે રશિયા અને ચીન લશ્કરી જોડાણ કરી રહ્યાં નથી. અમેરિકાએ રશિયા સાથે યુદ્ધની તૈયારી કરવી જોઇએ તેવું સૂચન તંદુરસ્ત લોકોના મનના સ્વસ્થ વિચારો નથી. આપણે બધા યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ કારણ કે જો તમે શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો તેવા પ્રાચીન સિદ્ધાંત અમે અનુસરીએ છીએ. વધુમાં રશિયા અને ચીન બંને સાથે યુદ્ધનું સૂચન બકવાસ છે. મને નથી લાગતું કે તે ગંભીર છે. મને લાગે છે કે તેઓ એકબીજાને ડરાવે છે.
રશિયન પ્રેસિડન્ટે ચેતવણી પણ આપી હતી કે જો અમેરિકા રશિયા સામે યુદ્ધ કરશે તો તે યુક્રેનના યુદ્ધથી ઘણું અલગ હશે. તે માત્ર સ્પેશ્યલ મિલિટરી ઓપરેશન નહીં હોય. જો આપણે મહાન પરમાણુ શક્તિઓ વચ્ચેના યુદ્ધ વિશે વાત કરીએ, તો તે સંપૂર્ણપણે અલગ પ્રકારનું હશે. મને નથી લાગતું કે તેમના યોગ્ય મગજના લોકો આ વિશે વિચારી શકે છે, પરંતુ જો આવો વિચાર તેમના મનમાં આવે છે તો તે આપણે સાવચેત રહેવું જોઇએ.