મંગળવારે સવારે 6 વાગ્યે સમરસેટના A39 પર ક્વોન્ટોક રોડ ખાતે એક ડબલ ડેકર બસ 80 જેટલા બાંધકામ કામદારોને નજીકના હિંકલી પોઈન્ટ સી ન્યુક્લિયર પાવર સ્ટેશન તરફ લઈ જઈ રહી હતી ત્યારે આઇસી રોડના કારણે એક મોટરસાઈકલ સાથે અથડાઈ હતી અને ઉંધી વળી ગઇ હતી. એવોન અને સમરસેટ પોલીસના ઈન્સ્પેક્ટર રેબેકા વેલ્સ-કોલે પુષ્ટિ કરી હતી કે ઘટનાસ્થળે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. ઘટનાસ્થળે 54 લોકોની તપાસ કરી 26 લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અકસ્માતને કારણે સમરસેટમાં કેનિંગ્ટન નજીક A39 ક્વોન્ટોક રોડ સહિત અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
M25 ક્લેકેટ લેન સર્વિસ પછી તુરંત જ એક કાર ઝાડ સાથે અથડાઇ જતા મોટરવે બ્લોક થવાના કારણે વાહનોના ડ્રાઇવરોને M25 પર 3 માઇલ લાંબી કતારનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક સાઇટ ઇનરિક્સે શેર કર્યું હતું કે તા. 17ની સવારના 7.55 વાગ્યાથી જંક્શન 6 A22 (ગોડસ્ટાઇન) અને જંક્શન 5 (M26) વચ્ચે રસ્તો બંધ રહ્યો હતો. જો કે પછીથી તમામ ચાર લેન ફરીથી ખોલવામાં આવી હતી
પોલીસ, હવામાન નિષ્ણાંતો અને ઇન્સ્યોરંશ કંપનીઓએ લોકોને ‘અત્યંત બર્ફીલી અને ખતરનાક’ પરિસ્થિતિઓની ચેતવણી આપી ‘એકદમ આવશ્યક’ ન હોય ત્યાં સુધી મુસાફરી ન કરવા વિનંતી કરી છે.
મંગળવારે સવારે બરફ અને સ્નોથી ઢંકાયેલા રસ્તાઓને કારણે પહેલા પાંચ કલાકમાં જ એકલા એવન અને સોમરસેટમાં રોડ-સંબંધિત ઘટનાઓના 100થી વધુ અહેવાલો મળ્યા હતા. સોમવારે સાંજે 6થી 11ની વચ્ચે કુલ 53 રોડ ટ્રાફિક અક્સમાતોની પોલીસને જાણ કરાઇ હતી. જેમાં સાતને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને રસ્તા સંબંધિત અન્ય ઘટનાઓ માટે વધુ 67 કોલ આવ્યા હતા. હજારો લોકોને મુસાફરી કરવામાં અરાજકતાનો સામનો કરવો પડ્યો હતો.
ડેવોનમાં A30 ના એક વિભાગને બંધ કરાતા હજારો ડ્રાઇવરોને અસર થઈ હતી. કેન્ટમાં એક ટ્રક લપસી જતા બંને દિશામાં ટ્રાફિક બંધ થઈ ગયો હતો. એડલસ્ટનમાં કાદવ ટ્રેનના પાટા પરથી વહેતો જોવા મળ્યો હતો. ન્યુક્વેના કારલેન્ડ ક્રોસ નજીક A30 રોડ બરફના કારણે અવરોધાયો હતો. મંગળવારે સવારે 4.30 પહેલા કોર્નવોલ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે ટ્વિટ કર્યું હતું કે ટ્રિસપેન ખાતે A39 અને બ્યુગલ ખાતે A391 પર વાહનો બરફમાં ફસાયા હતા.
ડ્રાઇવિંગની સ્થિતિ સુધારવા માટે સ્થાનિક સત્તાવાળાઓ અને નેશનલ હાઇવેઝ ઓથોરીટી સાથે કામ કરી રહ્યા છે.
મેટ ઑફિસે ચેતવણી આપી હતી કે ‘બરફના વરસાદ અને બર્ફીલા રોડ પર થોડો વિક્ષેપ આવી શકે છે અને ડ્રાઇવરો અને ટ્રેન મુસાફરો માટે લાંબી મુસાફરી થઈ શકે છે. લોકોને મુસાફરી કરતી વખતે કાળજી લેવાની વિનંતી કરવામાં આવી છે.