ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપ ક્રિકેટના ભાવિનો નિર્ણય આવતા મહિના ઉપર ઠેલાયો છે. આઇસીસીની હાઈ પાવર બોર્ડ ગયા સપ્તાહની મિટિંગમાં પણ ટી-૨૦ વર્લ્ડ કપ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો અને બધાએ હજુ એક મહિનો રાહ જોવા સંમતી દર્શાવી હતી. ત્રણ કલાકની મીટિંગમાં અનેક મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી. આઇસીસીએ બીસીસીઆઇને સરકાર પાસેથી તેની ટુર્નામેન્ટ્સ માટે કરરાહત મેળવવા માટે વધુ છ મહિનાનો સમય આપ્યો છે.
ભારતમાં ૨૦૨૧નો આઇસીસી વર્લ્ડ કપ રમાવાનો છે. આઇસીસી ઈચ્છે છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ સરકારને કહીને તેની ટુર્નામેન્ટને કરરાહત આપે. આ મામલે બીસીસીઆઇ અને આઇસીસી વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં કર પેટે ચૂકવવામાં આવેલા ૨.૩૭ કરોડ ડોલરના મામલે આઇસીસી અને બીસીસીઆઇ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ હવે આઇસીસીની વિવાદ નિવારણ સમિતિ સમક્ષ છે.