પ્રેસિડન્ટની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારી માટે જો બાઇડનનું સમર્થન મળ્યા પછી વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીનું નોમિનેશન મેળવવા તથા રિપબ્લિકન હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા દેશને એકજૂથ કરવા તેમની તમામ શક્તિઓનો ઉપયોગ કરશે.
હેરિસે જણાવ્યું હતું કે બાઇડનનું સમર્થન તેમના માટે એક સન્માન છે અને તેઓ ડેમોક્રેટિક પાર્ટીનું નોમિનેશન “અર્ન એન્ડ વિન” કરવાનો ઇરાદો ધરાવે છે. અમેરિકન લોકો વતી હું યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ તરીકેના અસાધારણ નેતૃત્વ અને આપણા દેશની દાયકાઓ સુધીની સેવા માટે જો બાઇડનનો આભાર માનું છું. હેરિસે કહ્યું હતું કે છેલ્લાં એક વર્ષમાં, તેમણે આખા દેશનો પ્રવાસ કર્યો છે, આ મહત્વપૂર્ણ ચૂંટણીમાં સ્પષ્ટ પસંદગી વિશે અમેરિકનો સાથે વાતચીત કરી છે આ જ કામગીરી હું આગામી દિવસો અને અઠવાડિયામાં ચાલુ રાખીશ. હું ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના આત્યંતિક પ્રોજેક્ટ 2025 એજન્ડાને હરાવવા ડેમોક્રેટિક પાર્ટી અને સમગ્ર દેશને એકજૂથ કરવા માટે મારી તમામ તાકાત લગાવી દઈશે. અમે સાથે મળીને લડીશું અને વિજયી બનીશું.