ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ICC ટૂર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચ્યા પછી પણ તેને એક “નિષ્ફળ કેપ્ટન” તરીકે ઓળખવામાં આવે છે. ભારતના રન મશીન ગણાતા વિરાટે ગયા વર્ષે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી હતી
કોહલીએ RCB પોડકાસ્ટ પર કહ્યું હતું કે હંમેશા ટૂર્નામેન્ટ જીતવા માટે રમવામાં આવે છે. મેં ચેમ્પિયન ટ્રોફી 2017, વર્લ્ડ કપ 2019, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021, ટી-20 વર્લ્ડ કપ 2022માં કપ્તાની કરી હતી. અમે ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલ, વર્લ્ડ કપના સેમિફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચ્યા હતા. તેમ છતાં પણ મને નિષ્ફળ કેપ્ટન ગણવામાં આવે છે.
વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયામાં ટેસ્ટમાં નંબર 1 બની હતી, પરંતુ તેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયા કોઈ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી. વિરાટ કોહલીએ એ પણ જણાવ્યું કે, કેપ્ટનના રોલ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ જ તેની પસંદગી કરી હતી. હું ફિલ્ડ દરમિયાન ઈનપુટ આપતો હતો, એ સમયે હું મેચ વિનિંગ ઈનિંગ પણ રમી રહ્યો હતો અને આ ઈનપુટના કારણે ક્રિકેટને લઈને મારી સીરિયસનેસની જાણ ધોનીને થઈ હતી.
આ દરમિયાન ધોનીએ મને તેનો ઉત્તરાધિકારી પસંદ કર્યો હતો. જ્યારે બાદમાં હું કેપ્ટન બન્યો ત્યારે અમારો સંબંધ એવો જ રહ્યો હતો અને બંને વચ્ચે એક સન્માન હતું. મહત્વનું છે કે, વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુમાં પણ કોઈ આઈપીએલ ખિતાબ જીતી શક્યું નથી. તેણે કેપ્ટનસી છોડીને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવ્યો હતો. વિરાટ કોહલીને વારંવાર એવો કેપ્ટન બતાવવામાં આવ્યો કે તેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા કોઈ મોટી ટુર્નામેન્ટ જીતી શકી નથી.