યુકેમાં મહારાણીના રાજ્યાભિષેકના 70 વર્ષો પછી પ્રથમ વખત 1,000 વર્ષ પહેલાંની પેજન્ટ્રીના ભવ્ય પ્રદર્શન સમાન સંગીત અને સીમ્બોલીઝમથી ભરેલા શાનદાર સમારોહમાં લંડનના સુવિખ્યાત વેસ્ટમિન્સ્ટર એબી ખાતે કિંગ ચાર્લ્સના માથા પર 360 વર્ષ જૂનો સેન્ટ એડવર્ડનો તાજ મૂકીને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી દ્વારા રાજ્યાભિષેક કરાયો હતો. 1066ના વિલિયમ ધ કોન્કરરના સમયથી ચાલી આવતા ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ બે કલાકના સમારોહમાં ક્વીન કોન્સર્ટ કેમિલાને પણ 1911માં બનાવાયેલો તાજ પહેરાવી રાણી તરીકે રાજ્યાભિષેક કર્યો હતો. તેમની પ્રથમ પ્રાર્થનામાં મહારાજા ચાર્લ્સે કહ્યું હતું કે “હું સેવા લેવા માટે નહિં, પરંતુ સેવા આપવા આવ્યો છું.” ગૌરવપૂર્ણ દેખાતા કિંગ ચાર્લ્સે ન્યાયપૂર્ણ રીતે શાસન કરવાના અને ચર્ચ ઓફ ઈંગ્લેન્ડને સમર્થન આપવાના શપથ લીધા હતા.
સમારોહમાં ઉપસ્થિત રોયલ ફેમિલીના સદસ્યો, સેલિબ્રિટીઝ, ધાર્મિક અને સામાજીક નેતાઓ, આખા વિશ્વમાંથી ઉમટેલા 100 જેટલા નેતાઓ અને વિશ્વભરમાં ટેલિવિઝન પર પ્રસારણ જોઇ રહેલા લાખો પ્રેક્ષકો સમારોહના સાક્ષી બન્યા હતા.
મહારાજાની તાજપોશી થતાં જ “ગોડ સેવ ધ કિંગ ચાર્લ્સ અને લોંગ લીવ કિંગ ચાર્લ્સ અને લે ધ કિંગ લીવ ફોરેવર”ના ઉદ્ઘોષ થયા હતા. આ રાજ્યાભિષેકમાં સોનેરી ઓર્બ્સ અને બિજ્વેલ્ડ તલવારોથી લઈને વિશ્વનો સૌથી મોટો રંગ વગરનો કટ ડાયમંડ ધરાવતો રાજદંડના ઐતિહાસિક રેગાલિયાની શ્રેણી દર્શાવવામાં આવી હતી. સૌ પ્રથમ વખત મહિલા તરીકે આ કાર્ય કરવાનું સદ્ભાગ્ય લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ, ભૂતપૂર્વ ડિફેન્સ સેક્રેટરી અને વડા પ્રધાનની છેલ્લી રેસના દાવેદાર પેની મોર્ડન્ટને મળ્યું હતું. તેમણે રાજ્યાભિષેક વખતે એક નહીં પરંતુ રત્નજડિત એક સહિત બે તલવારો રાજાને અર્પણ કરી હતી.
માહારાજા ચાર્લ્સ અને કેમિલા બ્રિટનની અમેરિકન વસાહતોના છેલ્લા રાજા જ્યોર્જ III માટે બનાવવામાં આવેલા ચાર ટન વજનના ગોલ્ડ સ્ટેટ કોચમાં બકિંગહામ પેલેસથી નીકળીને વેસ્ટમિન્સટર એબી જવા નીકળ્યા ત્યારે સેન્ટ્રલ લંડનની શેરોમાં અગાઉથી જ ઉપસ્થિત રહેલી વિશાળ જનમેદનીએ હર્ષભેર ચીચીયારીઓ પાડીને તેમને વધાવ્યા હતા અને સ્વાગત કર્યું હતું. તો રાજાશાહી વિરોધી જૂથ ‘રીપબ્લિક’ના અગ્રણી સભ્યોએ ટ્રફાલ્ગર સ્ક્વેર નજીક પીળા વાવટા ફરકાવી શાહી યુગલનો વિરોધ વ્યક્ત કરતા 56 લોકોની ધરપકડ કરાઇ હતી. જેમને પછીથી છોડાયા હતા.
રાજ્યાભિષેક બરાબર સવારે 11 કલાકે શરૂ થયો હતો અને બપોરે 1 વાગ્યે સમાપ્ત થયો હતો. રાજ્યાભિષેકનું મુખ્ય થીમ સર્વિસના મહત્વ હતું. તે થીમમાં કિંગ ચાર્લ્સ દ્વારા લેવાયેલા શપથ અને પ્રાર્થનાઓ અને આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા આપવામાં આવેલ ઉપદેશ મહત્વપૂર્ણ રહ્યા હતા.
જેરુસલેમના પવિત્ર તેલથી આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી દ્વારા મહારાજાના હાથ, માથા અને છાતી પર તેલ લગાવી અભિષેક કરવામાં આવ્યો હતો. સમારંભના સૌથી પવિત્ર ગણાતા આ ભાગને લોકો જોઇ ન શકે તે માટે કલાત્મક રીતે શણગારવામાં આવેલા વિશાળ સ્ક્રીન વડે ઢાંકી દેવાયો હતો. મહારાજાને પ્રતીકાત્મક રેગેલિયા અર્પણ કર્યા બાદ જસ્ટીન વેલ્બીએ મહારાજા ચાર્લ્સના માથા પર સેન્ટ એડવર્ડનો તાજ મૂકાતાં જ ઉપસ્થિત સૌ કોઇએ ‘ગોડ સેવ ધ કિંગ’નો ઉદ્ધોષ કર્યો હતો.
આર્ચબિશપ વેલ્બીએ આ પ્રસંગે પોતાનો ઉપદેશ આપતાં જણાવ્યું હતું કે “અમે અહીં રાજાને તાજ પહેરાવવા માટે છીએ, અને અમે સેવા કરવા માટે રાજાને તાજ પહેરાવીએ છીએ. રાજાઓના રાજા જીસસ ક્રાઇસ્ટ સેવા લેવા માટે નહીં, પરંતુ સેવા આપવા માટે અભિષિક્ત કરાયા છે. તેમણે અપરિવર્તનશીલ કાયદો બનાવ્યો છે કે સત્તાના વિશેષાધિકાર સાથે લોકોની સેવા કરવાની ફરજ પણ સાથે આવે છે.”
મહારાજાના સૌથી મોટા પુત્ર અને સત્તાના વારસદાર પ્રિન્સ વિલિયમે પોતાના પિતા અને રાજા સમક્ષ ઘૂંટણિયે પડીને તેમના “લીજમેન ઓફ લાઇફ અને લિંબ” તરીકે વફાદારીનું વચન આપ્યું હતું તથા મહારાજામા ગાલ પર ચુંબન કર્યું હતું. જેનું ઉપસ્થિત સૌ કોઇએ ઉલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. તે પહેલાં મંડળના સભ્યોને રાજાને પોતાનો ટેકો આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પોતાના હોદ્દા જાતે છોડી દેનાર ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી તેમના પિતરાઇ ભાઇઓ પ્રિન્સેસ યુજીની અને પ્રિન્સેસ બીટ્રાઇસ સાથે એબીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. જો કે તેમને ત્રીજી હરોળમાં બેસાડવામાં આવ્યા હતા.
કિંગ ચાર્લ્સને રાજ્યાભિષેક સમયે જે તાજ પહેરાવવામાં આવ્યો છે તે સેન્ટ એડવર્ડનો તાજ છે. તે તાજ 17મી સદીમાં રાજા ચાર્લ્સ II માટે બનાવવામાં આવ્યો હતો. આ તાજ ફક્ત રાજાનો રાજ્યાભિષેક કરતી વખતે જ પહેરાવાય છે અને હવે રાજા ચાર્લ્સ III તે તાજને ફરી કદી પહેરશે નહિં. તો રાજ્યાભિષેક વિધિના સૌથી પવિત્ર ભાગમાં, 1727થી દરેક રાજ્યાભિષેક વખતે ગવાતું હેન્ડેલનું ગીત ‘ઝાડોક ધ પ્રિસ્ટ’ ગાયું હતું. વડા પ્રધાન ઋષિ સુનક હિન્દુ હોવા છતાય તેમના દ્વારા બાઇબલનો એક પાઠ વાંચવામાં આવ્યો હતો. સમગ્ર વિધિ દરમિયાન વેલ્શ, સ્કોટિશ અને આઇરિશ ગેલિકમાં સંગીત ગાવામાં આવ્યું હતું.
રાજ્યાભિષેક વિધિ પૂરી થયા બાદ મહામહિમ કિંગ ચાર્લ્સ III અને 75 વર્ષના રાણી કેમિલા ગોલ્ડ સ્ટેટ કોચમાં 39 દેશોના 4,000 લશ્કરી સૈનિકો ધરાવતા એક માઇલ લાંબા વિશાળ કાફલા સાથે બકિંગહામ પેલેસ જવા રવાના થયા. તે સમયે લશ્કરી બેન્ડે બ્રિટનનું રાષ્ટ્રગીત વગાડતા ધ મોલમાં ઉપસ્થિત લોકોએ ગર્જના કરી હતી. હજારો લોકોઓ શાહી યુગલની એક ઝલક મેળવવા માટે ધ મોલમાં લાઇનો લગાવી હતી. તો રાજા અને રાણીએ બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી ઉમટી પડેલા માનવમહેરામણનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં વડા પ્રધાન ઋષિ સુનક, તેમના પત્ની અક્ષતા, યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડેન, તેમની પૌત્રી ફિનેગન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખર, યુક્રેનની પ્રથમ મહિલા ઓલેના ઝેલેન્સ્કી, કોમનવેલ્થ દેશોના નેતાઓ સેલિબ્રિટીઅભિનેતા એમ્મા થોમ્પસન, મેગી સ્મિથ, જુડી ડેન્ચ અને યુએસ ગાયિકા કેટી પેરી ઉપસ્થિત રહ્યા હતા. તો હોંગકોંગમાં નાગરિક સ્વતંત્રતા પર ક્રેકડાઉન કરવાની નેતાગીરીનો આરોપ ધરાવતા ચાઇનીઝ વાઇસ-પ્રેસિડેન્ટ હાન ઝેંગને અપાયેલા આમંત્રણની ટીકા કરાઇ રહી છે.