યુવા અભિનેતા વિક્રાંત મેસ્સી તેની બહુચર્ચિત ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના કારણે અત્યારે ચર્ચામાં છે. ‘12વીં ફેલ’થી લોકપ્રિય થયા પછી વિક્રાંત મેસ્સીનો બોલીવૂડમાં દબદબો વધી રહ્યો છે અને સારી ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. આવી કારકિર્દી છતાં વિક્રાંતની સોશિયલ મીડિયા પરની તાજેતરની પોસ્ટે તેના ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ પોસ્ટમાં તેણે ઘરે પરત જવાની અને આવતા વર્ષે ફિલ્મો દ્વારા છેલ્લી વખત મળવાની વાત કરી હતી. તેના ચાહકોને વિક્રાંત નિવૃત્તિ લઈ રહ્યો હોવાનું માનતા હતા. નિવૃત્તિના સંકેત આપ્યા પછી બીજા જ દિવસે વિક્રાંતે સ્પષ્ટતા કરી છે અને તે માત્ર બ્રેક લઈ રહ્યો છે, નહીં કે ક્ષેત્રમાંથી સંન્યાસ.
વિક્રાંતે પોતાની નિવૃત્તિ બાબતે જણાવ્યું હતું કે, હું નિવૃત્ત નથી થઈ રહ્યો, પણ ખૂબ થાકી ગયો છું. મારે થોડા વિરામની જરૂર છે. ઘરની યાદ આવે છે અને તબિયત પણ સારી રહેતી નથી. લોકોએ પોસ્ટનું ખોટું અર્થઘટન કર્યું હતું. વિક્રાંતના નિવેદન મુજબ, સતત કામ અને તણાવના કારણે શરીરને નુકસાન થયું છે, તેથી આરામની જરૂર છે. અત્યારે વિક્રાંતને પોતાના કામમાં નવીનતા નથી લાગતી અને તેથી અભિનયમાં સુધારો કરવાની જરૂર છે. પોસ્ટને લોકો ખોટી રીતે સમજ્યા છે. કારણ કે, હું માત્ર અભિનય જ કરી શકું છે અને તેણે મને બધું જ આપ્યું છે. માત્ર થોડો સમય બ્રેક લેવો છે અને આર્ટ સુધારવું છે. પરિવાર અને આરોગ્ય પર ધ્યાન આપવા થોડો સમય દૂર રહેવુ છે. યોગ્ય સમય લાગશે ત્યારે હું પરત આવીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2007માં વિક્રાંતે નાના પડદાના શો ધૂમ મચાઓ ધૂમ..થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેણે બાલિકા વધૂના શ્યામ સિંહના રોલમાં ઘણી પ્રશંસા મેળવી હતી. આ સિવાય વિક્રાંતે રણવીર સિંહની ફિલ્મ લૂંટેરા (2013)થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે છપાક, હાફ ગર્લફ્રેન્ડ, જીની વેડ્સ સની, હસીન દિલરુબા, ગેસલાઇટ, લવ હોસ્ટેલ, 12th ફેઈલ, સેક્ટર 36 જેવી ફિલ્મો કામ કર્યું હતું. વેબસીરીઝ મિર્ઝાપુરમાં પણ તેણે કામ કર્યું હતું.
વિક્રાંત મેસીની નવી ફિલ્મો અંગે વધુ માહિતી બહાર આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે આંખો કી ગુસ્તાખિયાં અને ઝીરો સે રિસ્ટાર્ટ તેમની છેલ્લી બે ફિલ્મો હોઈ શકે છે. જોકે, તેની અધિકૃત પુષ્ટિ થઇ નથી.