(Photo by Jacob King - Pool/Getty Images)

યુકેમાં ઇસ્લામોફોબિયાના વિવાદનો ઉકેલ લાવવાના પ્રયાસરૂપે વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું હતું કે, આ દેશ રેસિસ્ટ નથી તેનો પોતે “જીવંત પુરાવો” છે. વડાપ્રધાને ચેતવણી આપી હતી કે ભૂતપૂર્વ ડેપ્યુટી ટોરી ચેરમેન, લી એન્ડરસન સામે મુસ્લિમ વિરોધી નફરત ફેલાવવાનો આરોપ મુકાયા પછી તમામ રાજકીય નેતાઓએ “સતર્ક” રહેવાની અને લોકોમાં “બિનજરૂરી તણાવ ન ફેલાય” તેનું ધ્યાન રાખવાની ફરજ છે.

પરંતુ તેમણે યુકેના બે સૌથી વરિષ્ઠ મુસ્લિમ નેતાઓના દાવા છતાં કન્ઝર્વેટિવ્સમાં ઇસ્લામોફોબિયાની સમસ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. આ નેતાઓએ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન આ મુદ્દે ગંભીરતા દાખવવામાં નિષ્ફળ રહ્યા છે.
સુનકે કહ્યું હતું કે, “મારી પ્રાથમિકતા આ પરિસ્થિતિમાંથી નારાજગી દૂર કરવાના પ્રયાસની છે અને દરેક વ્યક્તિ તે ઇચ્છે છે.”

“હું એ બાબતે ખરેખર સ્પષ્ટ છું કે, લોકો જે શબ્દોનો ઉપયોગ કરે છે, વિશેષમાં તો ચૂંટાયેલા નેતાઓ અને એ પણ એવા સમયે જ્યારે તણાવ પહેલેથી જ વધી રહ્યો હોય અને આપણે બિનજરૂરી રીતે વિવાદો વધુ ચગાવવા ઇચ્છતા નથી ત્યારે લોકોએ શબ્દોના ઉપયોગમાં સાવચેત રહેવું મહત્વનું છે.”

લંડનના મેયર સાદિક ખાન પર ઇસ્લામવાદીઓનું “વર્ચસ્વ” હોવાનો દાવો કરવા બદલ એન્ડરસને ફરીથી માફી માગવાનો ઇનકાર કર્યા પછી સુનકે તે મુદ્દે આ ટીપ્પણી કરી હતી. પાર્ટીએ એન્ડરસન માટેનો વ્હીપ પરત લીધો હતો, ત્યારે આ કાર્યવાહીથી ટોરી સાંસદો વિભાજિત થયા હતા અને કેટલાકે દાવો કર્યો હતો કે, હાઇ-પ્રોફાઇલ સાંસદને સસ્પેન્ડ કરવાથી પક્ષના સમર્થકો મજબૂત નકારાત્મક પ્રતિસાદ આપશે.

ભૂતપૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને એન્ડરસનની ટીપ્પણીઓ “ઉન્માદ” હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આપણે હવે તાત્કાલિક યુકેમાં ઇસ્લામિક કટ્ટરવાદનો સામનો કેવી રીતે કરવો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

ટોરીઝને પડકારવાનો પ્રયાસ કરનાર રીફોર્મ યુકેએ જણાવ્યું હતું કે એન્ડરસનની લાગણીઓને “લાખો બ્રિટિશ નાગરિકોએ સમર્થન આપ્યું હતું.” એ સૂચવે છે કે, તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી બહાર આવી જાય તો તેમનું સ્વાગત કરાશે.

લંડનના ભૂતપૂર્વ ટોરી પ્રધાન પોલ સ્કલીએ દાવો કર્યો હતો કે પાટનગર અને બર્મિંગહામના વિસ્તારો “નો-ગો એરિયાઝ” બની ગયા છે.

તેમણે જણાવ્યું હતું કે, ઉદાહરણ તરીકે તમે “તમે ટાવર હેમ્લેટ્સના વિસ્તારો જુઓ, ત્યાં નો-ગો એરિયાઝ છે. બર્મિંગહામના વિસ્તારો નો-ગો એરિયાઝ છે, જે ચિંતાનો વિષય છે તેનું નિવારણ લાવવાની જરૂર છે.” પરંતુ વેસ્ટ મિડલેન્ડ્સના ટોરી મેયર, એન્ડી સ્ટ્રીટે, તેમની આ ટીપ્પણીઓને “વાહિયાત” ગણાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “બર્મિંગહામમાં ‘નો-ગો’ ઝોન છે તે વાત મારા માટે સમાચાર છે. વેસ્ટમિન્સ્ટરમાં રહેતા લોકો માટે હકીકતમાં બફાટ બંધ કરવાનો અને વાસ્તવિક વિશ્વમાં રહેવાનો સમય આવી ગયો છે.”

એન્ડરસનની ટીપ્પણીઓના વિવાદ ઉપર પૂર્ણવિરામ મુકવાના પ્રયાસમાં, સુનકે વારંવાર એ ટોરી નેતાને ઇસ્લામોફોબિયા માટે દોષિત ઠરાવા ઈનકાર કર્યો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે, એન્ડરસનના શબ્દો “અસ્વીકાર્ય” છે.
તેમણે ચેનલ ફાઇવ ન્યૂઝને જણાવ્યું હતું કે, “આવી પરિસ્થિતિમાં એ મહત્વનું છે કે આપણે ઉચ્ચ ધોરણો જાળવીએ અને કમનસીબે, એન્ડરસને જે શબ્દોનો ઉપયોગ કર્યો તે સ્વીકાર્ય નથી. કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ અથવા રંગભેદ” સંપૂર્ણપણે તદ્દન અસ્વીકાર્ય છે. આપણે બહુવંશીય લોકશાહી છીએ તેનું ગૌરવ છે, અને વિશ્વમાં તે અન્ય દેશો કરતા સૌથી વધુ સફળ છે. હું અહીં તેના જીવંત પુરાવા તરીકે ઊભો છું અને એ મહત્વનું છે કે આપણે તેને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરીએ, કારણ કે એ એક એવી બાબત છે જે આપણા દેશ માટે અનોખી અને ખાસ છે.”

પરંતુ બ્રિટનના બે સૌથી વરિષ્ઠ મુસ્લિમ રાજનેતાઓએ સુનક પર મુસ્લિમ વિરોધી તિરસ્કારને ગંભીરતાથી લેવામાં નિષ્ફળ જવાનો આરોપ મુક્યો હતો.સાદિક ખાને જણાવ્યું હતું કે, એન્ડરસનની ટીપ્પણીઓને રેસિસ્ટ કહેવાનો વડાપ્રધાનનો ઇનકાર “મુસ્લિમ વિરોધી ધૃણાનું સ્પષ્ટ સમર્થન છે અને તે માત્ર એવા અંત તરફ લઇ જઇ શકે છે કે, જ્યાં મુસ્લિમ વિરોધી કટ્ટરતા અને રેસિઝમને ગંભીરતાથી લેવાતા નથી.”

ખાને ઇવનિંગ સ્ટાન્ડર્ડમાં લખ્યું હતું કે, એન્ડરસને “તિરસ્કારની આ આગ પર પેટ્રોલ રેડ્યું હતું.” તેમણે ટોરીઝ પર “ચૂંટણીમાં રાજકીય લાભ લેવા માટે મુસ્લિમ વિરોધી પૂર્વગ્રહને હથિયાર બનાવવાની વ્યૂહરચના ઘડવાનો” આરોપ મૂક્યો હતો.

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર હમઝા યુસફે સરકાર પર ઈસ્લામોફોબિયાની સામે યહૂદી વિરોધીવાદને પ્રાથમિકતા આપવાનો આરોપ લગાવ્યો હતો. SNPના નેતાએ કહ્યું હતું કે, “નિશ્ચિત રીતે એવું લાગે છે” કે ટોરી અસમાનતા ધરાવતા બે મુદ્દાઓ એકસાથે કેવી રીતે સંભાળી શકે છે. તેમણે કન્ઝર્વેટિવ્સ પર “ઇસ્લામોફોબિયાથી પીડિત” હોવાનો આરોપ મુક્યો હતો.

ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ કેબિનેટ પ્રધાન બેરોનેસ વારસીએ જણાવ્યું હતું કે, ટોરી પાર્ટીમાં “મુસ્લિમ વિરોધી વંશવાદ” સ્પષ્ટ રીતે જોવા મળે છે. મારા કેટલાક સાથીદારો અંગત ફાયદા માટે મારી પાર્ટી અને મારા દેશમાં ઝેર ફેલાવે છે ત્યાં સુધી હું સમર્થન આપીશ નહીં.”

LEAVE A REPLY