(ANI Photo)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે દુશ્મનો ભારતની એકતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દેશે આવા પ્રયાસો સામે અડગ રહેવું જોઈએ. ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી મોદીએ મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કર્યા હતા. મોદી ભાવુક થતાં કહ્યું હતું કે હું કેવડિયામાં છું, પરંતુ મોરબી બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે મારું હૃદય વ્યથિત છે. પરંપરાગત નૃત્યો કરવા માટે દેશભરમાંથી ટુકડીઓ કેવડિયા આવી હતી, પરંતુ મોરબી દુર્ઘટનાને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ કેવડિયામાં હોવા છતાં મોરબીમાં અકસ્માતનો ભોગ બનેલા લોકો સાથે તેમનું હૃદય જોડાયેલું છે.એક તરફ દુઃખથી ભરેલું હૃદય છે, તો બીજી તરફ કર્મ અને કર્તવ્યનો માર્ગ છે.

વડા પ્રધાને ખાતરી આપી હતી કે સરકાર પીડિતોના પરિવારો સાથે ખભે ખભા મિલાવીને ઊભી છે.રાજ્ય સરકાર બચાવ કાર્યમાં વ્યસ્ત છે અને કેન્દ્ર સરકાર દરેક શક્ય સહાય પૂરી પાડી રહી છે,

સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.મોદીએ કહ્યું હતું કે ભારત માટે તેની એકતા ક્યારેય મજબૂરી રહી નથી, પરંતુ તેની વિશિષ્ટતા રહી છે. આપણા દેશની આ એકતા આપણા દુશ્મનો માટે આંખ ઉઘાડનારી છે. માત્ર આજથી જ નહીં, પરંતુ હજારો વર્ષોથી અને આપણી ગુલામીના સમયગાળા દરમિયાન પણ તમામ વિદેશી હુમલાખોરોએ આ એકતાને તોડવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તે લાંબા ગાળામાં જે ઝેર ફેલાયું હતું, તેના કારણે આજે પણ દેશ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આપણે દેશના ભાગલા અને દુશ્મનોને તેનો ફાયદો ઉઠાવતા જોયા છે.

મોદીએ જણાવ્યું હતું કે જો ભારતનું એકીકરણ સરદાર પટેલ જેવા નેતાઓના નેતૃત્વમાં ન થયું હોત તો પરિસ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે. જો 550થી વધુ રજવાડાઓનું વિલિનીકરણ ન થયું હોત તો શું થાત? જો આપણા રજવાડાઓએ મા ભારતીમાં ત્યાગ અને શ્રદ્ધાની ઊંડી ભાવના ન દર્શાવી હોત અને અમારી સાથે જોડાવાનો નિર્ણય ન કર્યો હોત, તો શું થાત? આ અશક્ય કાર્ય સરદાર પટેલે પૂર્ણ કર્યું હતું, સરદાર પટેલની જયંતિ અને એકતા દિવસ આપણા માટે કેલેન્ડર પરની તારીખો જ નથી, તે ભારતની સાંસ્કૃતિક શક્તિની ભવ્ય ઉજવણી છે. આ પ્રસંગે વિવિધ પોલીસ દળોની ટુકડીઓ સાથે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ યોજાઈ હતી.

LEAVE A REPLY