બ્રિટિશ હેલ્થકેર વર્કર્સે ગુરુવારે તા. 21થી ઑક્સફર્ડ યુનિવર્સિટીની આગેવાની હેઠળ બેંગકોકની મહિડોલ ઑક્સફર્ડ ટ્રોપિકલ મેડિસિન રિસર્ચ યુનિટના સમર્થનથી કોવિડ-19 વિરુદ્ધ બે એન્ટી મેલેરિયલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય ટ્રાયલમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અગાઉ જાહેર કરી ચૂક્યા છે કે વાયરસ સામે સાવચેતી તરીકે તેઓ હાઇડ્રોક્સિક્લોરોક્વિન લઈ રહ્યા છે. જો કે તેના ઉપયોગ વિશે તબીબી ચેતવણી આપવામાં આવી છે.
ક્લોરોક્વિન અને હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન કોરોનાવાયરસને રોકવામાં અસરકારક છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે ‘કોપકોવ’ અભ્યાસમાં યુરોપ, આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના 40,000થી વધુ ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કર સામેલ થશે. ગુરૂવારથી બ્રાઇટન અને ઑક્સફર્ડની હોસ્પિટલ ખાતે કોરોનાવાયરસ ગ્રસ્ત દર્દીઓ સાથે ગાઢ સંપર્કમાં હોય તેવા લોકોને સામેલ કરાયા હતા.
યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડના પ્રોફેસર અને અભ્યાસના કો-પ્રિન્સીપલ ઇન્વેસ્ટીગેટર પ્રો. નિકોલસ વ્હાઇટે જણાવ્યું હતું કે, “અમે ખરેખર જાણતા નથી કે ક્લોરોક્વિન અથવા હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન કોવિડ-19 સામે ફાયદાકારક છે કે નુકસાનકારક છે. તે જાણવા માટે ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે.”
ટ્રાયલમાં ભાગ લેનારા બ્રિટન, યુરોપ અને આફ્રિકાના લોકોને ત્રણ મહિના માટે હાઈડ્રોક્સાઇક્લોરોક્વિન અથવા પ્લેસબો મળશે. એશિયામાં તેમને કલોરોક્વિન અથવા પ્લેસબો મળશે. જૂનના અંત સુધીમાં યુકેમાં કુલ 25 સેન્ટર્સ ખુલ્લા રહેવાની ધારણા છે જેના આ વર્ષના અંત સુધીમાં પરિણામોની અપેક્ષા છે.