ભારતમાં બુલેટ ટ્રેન, હાઇ સ્પીડ ટ્રેનની સાથે હવે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું હતું કે, દેશમાં હાઈડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે, જે 2023 સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. ભારતીય રેલવે દેશના દૂરના અને બિનજોડાણવાળા વિસ્તારોને રેલવે નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. તેની ‘ગતિ શક્તિ ટર્મિનલ પોલિસી’ અને પોલિસી પર ઝડપી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે.
ભુવનેશ્વરની SOA યુનિવર્સિટીમાં વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે ‘વંદે ભારત એક્સપ્રેસ’ સેમી હાઈ સ્પીડ અને સૌથી ઝડપી ટ્રેનોમાંની એક છે. તે ભારતમાં ઘરેલું ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. આ ટ્રેન છેલ્લા બે વર્ષથી કોઈ મોટી બ્રેકડાઉન વગર સરળતાથી ચાલી રહી છે. આવી વધુ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ICF ખાતે વિકસાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેને સેવામાં મૂકાશે. તાજેતરમાં ‘વંદે ભારત’ને દોડાવવા માટે રેલ્વે સેફ્ટી કમિશ્નરે તરફથી મંજૂરી આપી છે. ટ્રેન અને ટ્રેક મેનેજમેન્ટ અંગે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે અમારું ધ્યાન માત્ર ટ્રેન બનાવવા પર નથી. અમે સેમી-હાઇ અથવા હાઇ સ્પીડ ટ્રેનો ચલાવવા માટે ટ્રેક મેનેજમેન્ટ સિસ્ટમ પર પણ સખત મહેનત કરીએ છીએ. તેમણે કહ્યું કે વંદે ભારતની ટ્રાયલ રન દરમિયાન અમે દેશને બતાવી દીધું છે કે કેવી રીતે ટેબલ પર પાણીનો ગ્લાસ મૂકવામાં આવે છે અને જ્યારે ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, ત્યારે પણ પાણી ભરેલો ગ્લાસ એકદમ સ્થિર હોય છે. આ સુવિધા જોઇને વિશ્વને પણ આશ્ચર્ય થયું છે.