ભારતના શાહી પરિવારના એક ભૂતપૂર્વ સભ્યે યુકે બેન્ક એકાઉન્ટમાં પડેલા નાણા અંગેના દાયકા જૂના કાનૂની જંગમાંથી છૂટકારો માંગ્યો છે. હૈદ્રાબાદના આઠમા નિઝામના પદવીધારક પ્રિન્સ મુકર્રમ જાએ ગત વર્ષે હાઇકોર્ટના આદેશ બાદ 4 લાખ પાઉન્ડમાંથી પોતાનો હિસ્સો જતો કર્યો હતો.
લંડન હાઇકોર્ટે 22 અને 23મી જુલાઇની સુનાવણીમાં જસ્ટિસ માર્કસ સ્મિથે લંડનના બેંક એકાઉન્ટમાં પડેલા 35 મિલિયન પાઉન્ડના ભંડોળ ઉપર નિઝામના એક્સટેન્ડેડ ફેમિલીના સભ્યો દ્વારા કરાયેલો દાવો ફગાવી દીધો હતો. લંડન બેંક ભંડોળનો મોટા ભાગનો હિસ્સો પ્રિન્સ મુકર્રમ, તેમના નાનાભાઇ અને ભારત સરકાર વચ્ચે કાયદેસર રીતે વહેંચાયો છે. ઓક્ટેબર 2019માં કોર્ટે આ નાણાં ઉપર પાકિસ્તાનનો દાવો ફગાવ્યો હતો.
સાતમા નિઝામની ઇંગ્લિશ એસ્ટેટને થયેલા નફાના લાગભાગની રકમ ચાર લાખ પાઉન્ડ થવા જાય છે. 2013માં કેસની કાર્યવાહી આરંભાઇ ત્યારથી આઠમા નિઝામ વતી કોર્ટમાં હાજર રહેતા પૌલ હેવિટે જણાવ્યું હતું કે, કાનૂની જંગમાં તેમના અસીલ (આઠમા નિઝામ)ની આખી જિંદગી ગઇ હોવાથી હવે તેઓ કાનૂની જંગ ઇચ્છતા નથી. તેઓ સૂચવે છે કે ચાર લાખ પાઉન્ડની રકમ ઉપર તેમનો અધિકાર જતો કરે છે અને આ રકમ પરિવારના અન્ય સભ્યોમાં ફાળવવી.
ગત સપ્તાહની સુનાવણીમાં જસ્ટિસ સ્મિથે નિઝામ ફેમિલી વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ નજફઅલી અને હિમાયત અલીની 2019ના ચુકાદાને પડકારતી અરજી ફગાવી દીધી હતી. જોકે, કોર્ટના નીમેલા વહિવટકર્તા ક્રિસ્ટોફર લીન્ટોફે કરેલી બાકીના ભંડોળ માટે નવા વ્યક્તિગત પ્રતિનિધિ તરીકે ટ્રસ્ટ કંપની નિમવાની અરજી કોર્ટે સ્વીકારી હતી. આ નવી ટ્રસ્ટ કંપની ચાર લાખ પાઉન્ડ માટે કોણ હક્કદાર તે નક્કી કરશે.
મુકર્રમ સાતમા નિઝામના 117 વારસદારો હોવાનું કહેવાય છે. 1948માં હૈદ્રાબાદના નિઝામે નવા રચાયેલા પાકિસ્તાનના બ્રિટન ખાતેના હાઇ કમિશનરને 1007940 પાઉન્ડ અને નવ શિલિંગ સાચવવા આપ્યા હતા. આ રકમ લંડનની બેંકમાં વધીને 35 મિલિયન પાઉન્ડ થઇ છે. પાકિસ્તાને પણ આ રકમ ઉપર દાવો કર્યો હતો જે કોર્ટે ફગાવ્યો હતો.