(ANI Photo)

રવિવારે (19 મે) સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર 200 રનથી વધુનો ટાર્ગેટ ચેઝ કરી ફરી એકવાર ધમાકેદાર બેટિંગ દ્વારા પંજાબને ચાર વિકેટે હરાવ્યું હતું. આ વિજય સાથે ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે પહોંચી હતી. પંજાબ કિંગ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરીને પાંચ વિકેટે 214 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો.

ઓપનર પ્રભસિમરનના 45 બોલમાં 71 તથા રાઈલી રોસેઉના 24 બોલમાં 49 પંજાબને આ જંગી સ્કોર કરવામાં મુખ્ય પ્રદાન હતા, તો તાઈડેએ 27 બોલમાં 47 કર્યા હતા. પંજાબના ઓપનર્સે જ 97 રનની ભાગીદારી કરી હતી. હૈદરાબાદે છ બોલર અજમાવ્યા હતા, જેમાંથી ટી. નટરાજનને 33 રનમાં સૌથી વધુ બે વિકેટ મળી હતી, તો નિતિશ કુમાર રેડ્ડી 3 ઓવરમાં એકપણ વિકેટ લીધા વિના 54 રન આપી સૌથી મોંઘો સાબિત થયો હતો.

જવાબમાં અર્શદીપ સિંઘે હૈદરાબાદની ઈનિંગના પહેલા જ બોલે તોફાની બેટર ટ્રેવિસ હેડને બોલ્ડ કરી તરખાટ મચાવ્યો હતો. તેણે એકંદરે ચાર ઓવરમાં 37 રન આપી બે વિકેટ લીધી હતી અને સૌથી કિફાયત બોલર રહ્યો હતો. પંજાબે સાત બોલર્સ અજમાવ્યા હતા, જેમાંથી હર્ષલ પટેલ પણ ચાર ઓવરમાં 49 રન આપી બે વિકેટ લઈ ગયો હતો, પણ તે સૌથી મોંઘો રહ્યો હતો.

હરપ્રીત અને શશાંક સિંહે એક-એક વિકેટ લીધી હતી. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ 28 બોલમાં છ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે 66 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો, તો વિકેટ કીપર ક્લાસેન 26 બોલમાં 42, નિતિશ રેડ્ડી 25 બોલમાં 37 અને રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 33 રન કરી વિજયમાં મહત્ત્વનું પ્રદાન કરી ગયો હતો.

હૈદરાબાદ આ વખતે પહેલીવાર વિજય માટે 200થી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કરી શક્યું હતું.  અભિષેક શર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

રવિવારની કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની બીજી લીગ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.

LEAVE A REPLY