વડોદરા સોમવાર, 8 જાન્યુઆરીએ ત્રણ સભ્યોએ કથિત આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પરિવારે કથિત આર્થિક સંકટને કારણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. પતિએ પહેલા પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી.
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી દર્શનમ ઉપવન સોસાયટીમાં મકાન નંબર 102માં છેલ્લા એક વર્ષથી ભાડે રહેતા પ્રિતેશભાઈ મિસ્ત્રી (30 વર્ષ)એ ગઈકાલે (રવિવારે) જ તેમની માતાને મેસેજ કરી આજે (સોમવારે) જમવા જવાનું હોવાનું કહી ઘરે આવવા કહ્યું હતું. સવારે જ્યારે તેમના મમ્મી પ્રિતેશભાઈના ઘરે ગયા તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે ઘરની બહારથી પુત્રને ફોન કર્યો હતો. જોકે, પુત્ર કે પુત્રવધૂએ ફોન ન ઉપાડતા, તેઓ ઘરના પાછળના દરવાજેથી અંદર ગયા હતા. ઘરમાં જઈ જોતા પ્રિતેશભાઈ તેમના પત્ની સ્નેહાબેન (32 વર્ષ) અને પુત્ર હર્ષિલ (7 વર્ષ)ની લાશ ઘરમાં પડેલી જોઈ હેબતાઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રની હત્યા કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે રિતેશ મિસ્ત્રી શેરબજારનો ધંધો કરતા હતા અને તેમના પત્ની હાઉસવાઈફ હતા તેમના મકાનની દિવાલ પર લખાણ લખેલું હતું કે બેંક તથા પ્રાઇવેટ બેન્કિંગ ફાઇનાન્સમાંથી લોનનું દેવુ વધી જતા અમે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે અને તેના કારણે અમે જાતે જ આપઘાત કરીએ છીએ.
આત્મહત્યા કરતા પહેલા તેમણે બેડરૂમની દીવાલ પર એક મેસેજ પણ લખ્યો હતો, જેમાં તેમણે પોતાની માતાની માફી માગતા ‘સોરી મા’ લખ્યું હતું અને સાથે જ આત્મહત્યા માટે કોઈ જવાબદાર ન હોવાનું લખ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ ચાલુ કરી હતી.