કેલિફોર્નિયામાં રવિવારે (8 જાન્યુઆરી) વધુ તોફાની હવામાનના પગલે રાજ્યના ઉત્તરી ભાગોમાં વાવાઝોડાં, બરફ અને વિનાશક પવનો ફૂંકાયા હતા. આ વરસાદે રસ્તાઓ અને નદીઓમાં પૂર, અને કાદવની સંભાવના વધારી હતી.
નેશનલ વેધર સર્વિસે આ અંગે સંબંધિત ચેતવણી આપી હતી. સેક્રેમેન્ટો મ્યુનિસિપલ યુટિલિટી ડિસ્ટ્રિક્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ, રાજ્યના પાટનગરમાં 60 હજારથી વધુ પરિવારો – એકમો રવિવાર સાંજ સુધી હજુ વીજળી વગર રહ્યા હતા. ત્યાં 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અનેક વૃક્ષો વીજ લાઇનો પર પડતા 350,000થી વધુ ગ્રાહકોને વીજ પૂરવઠો ખોરવાયો હતો.
જોય ક્લીમન્ન નામની મહિલા સેક્રેમેન્ટોના પોતાના ઘરમાં 25 વર્ષથી રહે છે, તેને મધ્યરાત્રિ પછી તરત જ પવન ફૂકાવાના અવાજ સંભળાયા હતા, ત્યાં એક વિશાળ વૃક્ષ પડતાં તેને “મોટો અવાજ” સાંભળ્યો હતો. ત્યારે તે વિચારી રહી હતી કે તેમને પોતાની કાર ત્યાંથી ખસેડવી જોઈએ કે કેમ. વરસાદી ઝાપટાં એટલા મજબૂત હતા કે વૃક્ષ કોંક્રિટની ફૂટપાથ પરથી તેના મૂળમાંથી ઉખડીને પડી ગયું હતું. ક્લીમેનના ઘરની છતમાં તીરાડો પડતાં તેના ડાઇનિંગ એરિયામાં આખી રાત પાણી પડ્યું હતું. તેણે વધુ વરસાદની અપેક્ષાએ નુકસાનગ્રસ્ત વિસ્તારમાં તાડપતરી પાથરવાનું વિચાર્યું હતું.
ગવર્નર ગેવિન ન્યૂસોમે જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં તોફાની હવામાનના પરિણામે 12 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તેમણે ચેતવણી આપી હતી કે આ અઠવાડિયે આવનારું વરસાદી તોફાન વધુ ખતરનાક બની શકે છે. તેમણે લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરી હતી. વેધર સર્વિસીઝની સેક્રેમેન્ટો ઓફિસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, વીજ પુરવઠો મોટા પાયે ખોરવાવાની, વૃક્ષો પડવાની અને વાહન ચલાવવામાં મુશ્કેલી પડવાની સંભાવનાઓ છે.
સાન ફ્રાન્સિસ્કોની ઉત્તરે સોનોમા કાઉન્ટીના પૂરગ્રસ્ત વિસ્તારના લગભગ 13,000 રહેવાસીઓને બહાર નહીં નીકળવાની ચેતવણીઓ આપવામાં આવી હતી, ત્યાં રશિયન નદીનું પાણી આગામી દિવસોમાં તેના કાંઠાથી ઉપર વહેવાની સંભાવના હતી.
લોસ એન્જલસની આસપાસના વિસ્તારોમાં અઠવાડિયાના અંતે છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જ્યારે તળેટીના વિસ્તારોમાં સોમવારે 8 ઇંચ સુધી વરસાદની સંભાવના સાથે તોફાની સ્થિતિ થવાની ધારણા હતી.
નેશનલ વેધર સર્વિસના રીપોર્ટ પ્રમાણે 26 ડિસેમ્બરથી સાન ફ્રાન્સિસ્કોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે પૂર્વીય સીએરામાં મેમથ માઉન્ટેન ખાતે જાણીતા સ્કી વિસ્તારમાં,10 ફૂટ જેટલો બરફ પડ્યો છે.
સ્ટેટ ક્લાઈમેટોલોજિસ્ટ માઈકલ એન્ડરસને મીડિયાને જણાવ્યું હતું કે, અધિકારીઓ તોફાન અને તે પછીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પેસિફિકમાં દૂર અન્ય ત્રણ સીસ્ટમો પર પણ તેમની નજર છે.