ગયા અઠવાડિયે વધતા નીતિવિષયક મતભેદો વચ્ચે સ્કોટિશ ગ્રીન્સ સાથેના પાવર-શેરિંગ ડીલને સમાપ્ત કર્યા પછી સ્કોટિશ પાર્લામેન્ટ હોલીરુડમાં વિશ્વાસનો મત મળવાની નહિંવત શક્યતાઓને પારખીને પાકિસ્તાની મૂળના સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નેતા હુમઝા યુસફે તા. 29ના રોજ નાટકીય રીતે રાજીનામું આપી દીધું હતું.
જ્યાં સુધી SNP નવા નેતાની વરણી નહિં કરે ત્યાં સુધી તેઓ પોતાના પદ પર સેવા આપતા રહેશે. તેમના અનુગામી અને નવા ફર્સ્ટ મિનિસ્ટર તરીકે SNPના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનના ભૂતપૂર્વ ડેપ્યુટી જ્હોન સ્વિની મેદાનમાં સૌથી આગળ છે.
ગયા અઠવાડિયે સ્કોટિશ ગ્રીન્સ સાથેના પાવર-શેરિંગ ડીલને સમાપ્ત કર્યા પછી તેમણે નુકસાનના સ્તરને “ઓછું આંક્યું” હતું. તેમના ભૂતપૂર્વ ગ્રીન પાર્ટીના સાથીઓએ અને પછી વિરોધ પક્ષમાં બેસતા કન્ઝર્વેટિવ્સ, લેબર અને લિબરલ ડેમોક્રેટ પક્ષોએ સાથે મળીને બે અવિશ્વાસની દરખાસ્તોને સમર્થન આપ્યું હતું. જેમાં એક SNPના યુસફના નેતૃત્વમાં અને બીજું સમગ્ર સ્કોટિશ સરકાર અંગેની હતી.
39 વર્ષીય યુસફે ગયા વર્ષે માર્ચમાં સ્કોટલેન્ડના પ્રથમ મુસ્લિમ અને પ્રદેશના સૌથી યુવાન ફર્સ્ટ મિનિસ્ટર તરીકે પદભાર સંભાળ્યો હતો.
એડિનબરામાં પત્ની નાદિયાની હાજરીમાં સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટરે આખોમાં આંસુ સાથે જાહેરાત કરી હતી કે ‘’હું વિશ્વાસ મત માટેનું પૂરતુ સમર્થન મેળવવામાં નિષ્ફળ ગયા બાદ રાજીનામું આપી રહ્યો છું. મેં બ્યુટ હાઉસ સાથેનુ ડીલ તોડવાની પ્રતિક્રિયાનો અંદાજ ઓછો આંક્યો હતો. હું માત્ર સત્તા જાળવી રાખવા માટે મારા મૂલ્યોનો વેપાર કરવા તૈયાર નથી. સરકારની આગેવાની કોઈ એવા વ્યક્તિએ લેવાની જરૂર છે જે MSP ને એકસાથે લાવી શકે.’’
યુસુફે કહ્યું હતું કે ‘’અવિશ્વાસ મત માટેનો માર્ગ ‘સંપૂર્ણપણે શક્ય’ ન હતો. મારા પક્ષ, સરકાર અને દેશ માટે હું જેનું નેતૃત્વ કરું છું તેના માટે શું શ્રેષ્ઠ છે તેના પર પ્રતિબિંબિત કરવામાં વીકેન્ડ પસાર કર્યા પછી, મેં તારણ કાઢ્યું છે કે રાજકીય વિભાજનમાં અમારા સંબંધોને સુધારવાનું કામ ફક્ત કોઈ અન્ય વ્યક્તિ સાથે જ થઈ શકે છે. હું મારી અદ્ભુત પત્ની, મારા સુંદર બાળકો અને મારા વિશાળ પરિવારનો વર્ષોથી મારી સાથે રહેવા બદલ સંપૂર્ણ ઋણી છું. મારા માટે તેઓ જ સર્વસ્વ છે.’’
પાકિસ્તાની અને કેન્યન વારસો ધરાવતા યુસફે યુકેની વિવિધતાની સરાહના કરી બ્રિટનના પ્રથમ હિન્દુ વડા પ્રધાન તરીકે ઋષિ સુનકનો ઉલ્લેખ પણ કર્યો હતો.
યુસુફે ઉમેર્યું: “મારા જેવા દેખાતા લોકો રાજકીય પ્રભાવના હોદ્દા પર ન હતા. હવે આપણે યુકેમાં રહીએ છીએ જેમાં બ્રિટિશ હિન્દુ વડાપ્રધાન (સુનક), લંડનના મુસ્લિમ મેયર (સાદિક ખાન), બ્લેક વેલ્શ ફર્સ્ટ મિનિસ્ટર (વોન ગેથિંગ) અને થોડા સમય માટે સ્કોટિશ એશિયન ફર્સ્ટ મિનિસ્ટર તરીકે હું હતો. તેથી જેઓ યુકેમાં બહુસાંસ્કૃતિકવાદ નિષ્ફળ ગયો છે તેની નિંદા કરે છે, તેમને હું સૂચવીશ કે પુરાવા તદ્દન વિપરીત છે અને તે કંઈક અલગ જ છે જેની આપણે બધાએ ઉજવણી કરવી જોઈએ.”
તેમના સાથીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે SNP નેતા એલેક્સ સામન્ડ સાથે શરતો પર સંમત થઇને ‘શેતાન સાથે સોદો કરવા’ તૈયાર ન હતા. એશ રીગને પણ તેમની આલ્બા પાર્ટી સમાધાન કરશે નહીં તેમ જણાવ્યું હતું.
હમઝાની હારથી સ્કોટલેન્ડમાં ત્વરિત ચૂંટણી શરૂ થવાનું જોખમ પણ છે. યુસફે માંડ એક વર્ષ પહેલાં નિકોલા સ્ટર્જન પાસેથી પદ સંભાળ્યું હતું.
ગ્રીન્સ સાથેનું ડીલ તોડ્યા બાદ કેમેરાની સામે શરમજનક રીતે ચાલીને જાહેરમાં અપમાનિત કરનાર હમઝા સામેના ટોરીઝના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાનું ગ્રીન્સે વચન આપ્યું હતું. જે માટે આ અઠવાડિયે પછી મતદાન થવાની ધારણા હતી.
ભૂતપૂર્વ SNP નેતા શ્રીમતી સ્ટર્જને તેમના ટૂંકા-સમયના અનુગામી હમઝાને તેમની ‘કૃપા, ગૌરવ અને અખંડિતતા’ માટે બિરદાવ્યા હતા. તેમણે X પર પોસ્ટ કર્યું હતું કે ‘’હું જાણું છું કે ફર્સ્ટ મિનિસ્ટર બનવું એ કેટલો મોટો વિશેષાધિકાર છે. હમઝાએ પોતાની જાતને ગ્રેસ, ગરિમા અને અખંડિતતા સાથે વ્યવસ્થિત કરી છે. હું તેને મિત્ર કહું છું અને હંમેશા ગર્વ અનુભવીશ.’’
SNPના આ રકાસના કારણે હવે આગામી ચૂંટણીઓમાં લેબર નેતા સર કેર સ્ટાર્મર મોટા વિજેતા બને તેવી શક્યતા છે.