સ્લાવના હમઝા પાન ટેકઅવેને રોડ પર ફ્રિજ ડમ્પ કરવા બદલ 12 મે’ના રોજ £9000નો દંડ કરવામાં આવ્યો છે. હમઝા પાન ટેકઅવે દ્વારા “જવાબદારીઓની સ્પષ્ટ અવગણના” કરી જે સ્થળેથી કચરો દૂર કરાયો હતો તે જ જગ્યાએ ફ્રિજ ફેંકવામાં આવ્યું હતું.
ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ, સ્લાવ બરો કાઉન્સિલની એન્વાયર્નમેન્ટલ સર્વિસે ગ્લોવ પરેડની પાછળના સર્વિસ રોડ પરથી કેટલીક પ્રોપર્ટીઝ દ્વારા ફેંકવામા આવેલો બે વાહનો ભરાય તેટલો કોમર્શીયલ અને બિઝનેસ વેસ્ટ સાફ કર્યો હતો. ગેરકાયદેસર કચરો સાફ કર્યા પછી તે જ દિવસે, બિઝનેસ હમઝા પાન, 285 હાઇ સ્ટ્રીટ દ્વારા એક વિશાળ ઇન્ડસ્ટ્રીયલ ફ્રીઝર ફેંકી દેવાયું હતું. કાઉન્સિલે તે વિસ્તારના સીસીટીવી ફૂટેજને પૂરાવા તરીકે કોર્ટમાં જમા કરાવ્યા હતા.
કાઉન્સિલના અધિકારીઓએ આ ઘટના અંગે હમઝાના પ્રતિનિધિઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઈએ ઈન્ટરવ્યુમાં હાજરી આપી ન હતી કે આ મુદ્દા પર જવાબ આપ્યો ન હતો. શુક્રવાર, તા. 12 મે’ના રોજ રેડિંગ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ સુનાવણી દરમિયાન હમઝાના પ્રતિનિધિઓએ હાજરી આપી ન હતી કે ન તો તેઓ 14 એપ્રિલે પ્રથમ સુનાવણીમાં હાજર રહ્યા હતા. જજે કંપનીને દોષિત ગણાવી £9,000નો દંડ, £2,000 વિક્ટીમ સરચાર્જ તરીકે અને અને સંપૂર્ણ કાનુની ખર્ચ ચૂતકવવા આદેશ આપ્યો હતો. કંપની પાસે ચૂકવણી કરવા માટે 28 દિવસનો સમય છે.